(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨પ
આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે વિવિધ કમિટીની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી. સાથે- સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે નહીં. દરમિયાન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી.
એઆઈસીસી દ્વારા જાહેરાત કરાયા મુજબ કેમ્પેઈન કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયા, ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન તરીકે દીપક બાબરિયા, સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, મીડિયા એન્ડ પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે તુષાર ચૌધરી અને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કદીર પીરઝાદાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઓર્ડિનેશન કમિટીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કમિટીના ચેરમેન તરીકે એઆઈસીસીના ગુજરાત ઈન્ચાર્જ રાજીવ સાતવની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સભ્યોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તમામ કમિટીના ચેરમેનો, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્ય વિક્રમ માડમ, ડૉ.ચંદ્રિકાબેન ચુડાસમા, ડૉ.કરસનદાસ સોનેરી, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, ગૌરવ પંડ્યા, નરેશ રાવલ, સાગર રાયકા, ધારાસભ્યો વીરજી ઠુમ્મર, હિંમતસિંહ પટેલ, સી.જે.ચાવડા, મૌલિન વૈષ્ણવ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ડૉ.જીતુ પટેલ, બાલુભાઈ પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.