(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૬
અમદાવાદની વી.એસ. હોસ્પિટલ સંદર્ભે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, વી.એસ. હોસ્પિટલનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિચારણા કરો. હાઈકોર્ટે કહ્યું છે કે ન કરે નારાયણ અને અમદાવાદમાં કોરોનાના લીધે સ્થિતિ વધુ ખરાબ થાય તો તે સંજોગોમાં વી.એસ. હોસ્પિટલમાં રહેલી પાંચસોથી સાતસો પથારીઓ મદદરૂપ બની શકે છે, તે હેતુથી આ વાત કહેવામાં આવી રહી છે.
મહત્ત્વનું છે કે, અમ્યુકો દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલને લોકડાઉન પહેલા બંધ કરાઈ હતી. જો કે, કોરોનાના સંકટ કાળમાં તેનો ઉપયોગ કરવા અંગે ફરીથી માંગ ઉઠી છે. આ અંગે હાઈકોર્ટમાં રજૂઆતો પણ થયેલી છે. જેને અનુલક્ષીને હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરેલો છે કે તેમનો મોટાભાગનો સ્ટાફ અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયેલો છે. જેના લીધે વીએસમાં કોરોના માટે જરૂરી નિષ્ણાત સ્ટાફની અછત છે. જેથી અહીં કોરોનાના દર્દીઓની સારવાર કરવી શક્ય નથી. આ ઉપરાંત હાલ વીએસમાં જનરલ મેડિસિન, ગાયનેક, ઓર્થોપેડિક સહિતની અન્ય સુવિધાઓ ફરી શરૂ કરાયેલી છે. જ્યાં કોરોના ના હોય તેવા અન્ય દર્દીઓની સારવાર થઈ રહી છે. હવે જો કોરોનાના દર્દીઓને અહીં દાખલ કરીએ તો આ સામાન્ય દર્દીઓ પણ હેરાન થશે. જે તે સમયે હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, વી.એસ.હોસ્પિટલમાં ૫૦૦ બેડની સુવિધા છે. ૧૦૫ જેટલી ૈંઝ્રેં પથારીઓ છે અને ૨૨ વેન્ટિલેટર છે.