(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
શહેરના મગદલ્લા વિસ્તારમાં સ્મશાનના વિસામા માટે ગામ લોકો દ્વારા પાલિકાની જગ્યા પર દિવાલ બનાવવામાં આવી રહી હતી. જેથી પાલિકા દ્વારા ચારેક દિવસ અગાઉ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા ગામલોકોએ તેનો વિરોધ કર્યો હતો. પાલિકા અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા ધારાસભ્યનો મહિલાઓએ ઘેરાવ કર્યો હતો. સમગ્ર મુદ્દે ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે, વાતચીતથી મામલો થાળે પાડવા ગયા હતા પરંતુ ગ્રામજનો પોતાની વાત પર અડગ રહેતા તેઓ પરત ફર્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લા રૂંઢ ગામમાં સ્મશાનના વિસામા, સ્નાન ગૃહ, પાણીની પરબ ગ્રામજનોએ પોતાના ખર્ચે બનાવી હતી. પરંતુ ચાર દિવસ પહેલા સુરત મહાનગર પાલિકા દ્વારા તેનું ડિમોલીશન કરાતા ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો હતો. તે દરમ્યાન પાલિકા અને ગ્રામજનોની વચ્ચે મધ્યસ્થી કરવા માટે ધારાસભ્ય ઝંખના પટેલ ગામમાં પહોદ્વચી ગયા હતા. પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ ઝંખના પટેલનો ઘેરાવો કરી તેમનો હુરીયો બોલાવ્યો હતો. તે દરમ્યાન મહિલાઓએ ઝંખના પટેલને તમાચો મારી દેતા માહોલ ગરમાયો હતો, અને છેવટે ઝંખના પટેલ ત્યાંથી નિકળી ગયા હતા. આ અંગે મગદલ્લાના ગામ લોકોએ જણાવ્યું હતું કે, ગામમાં વિસામો બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ એક પણ ધારાસભ્ય કે મનપાના અધિકારીઓ દ્વારા તેઓની એક પણ વાત સાંભળવામાં આવી નથી. વિસામો બાનાવ્યો તો મનપાના અધિકારીઓ તોડવા આવી પહોંચ્યા હતાં. ગામલોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, કોઈ જ નોટિસ કે આગોતરી જાણ વગર દિવાલ પાડવા ટીમ આવી ગઈ હતી. ગ્રામજનોએ વિરોધ અને ઘેરાવો કર્યા અંગે મહિલા ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીના ચેરમેન અનિલ ગોપલાણી સાથે તેઓ ગયા હતાં. લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકો માન્યા ન હોતા. સારી જમીનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સ્મશાન માટે જમીનનો ઉપયોગ કરવાથી લોકો પછી એ રસ્તે પસાર થતા હોતા નથી. જેથી અમે કહ્યું કે, આ જગ્યાને છોડી વિસામો અન્યત્ર બનાવવો જોઈએ. પરંતુ લોકો માન્યા ન હતા. જેથી તેઓ ત્યાંથી નિકળી ગયા હોવાનું જાણવા મળે છે.
સ્મશાનના વિસામા, સ્નાનગૃહ, પાણીની પરબ પાલિકા દ્વારા તોડી પડાતા લોકોમાં રોષ

Recent Comments