(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
વડોદરા મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા જંગી વેરો શહેરીજનો પાસેથી ઉઘરાવામાં આવે છે. પરંતુ તેમણે પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નથી. સ્માર્ટસિટીનો ઢોલ પીટવામાં આવે છે. પરંતુ દર ચોમાસામાં શહેરીજનોની કફોડી સ્થિતિ સર્જાઇ છે. હાલમાં પુરનાં માહોલમાં શહેરીજનોએ વેઠવી પડેલી મુશ્કેલીને સામે લોકોએ વહીવટી તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
અકોટા વિસ્તારમાં રહેતાં ધર્મેશ રાણાએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીને મૃતપાય હાલતમાં નગર પાલિકાનાં તંત્રએ કરી દીધી છે. જે નદી પવિત્ર કહેવાય એ નદીને કચરા પેટી બનાવી દીધી છે. શહેરનો કચરો નગર પાલિકા અને શહેરીજનો દ્વારા વિશ્વામિત્રીનાં કિનારા ઉપર ઠાલવવામાં આવે છે. જેને કારણે નદી એક નાળા જેવી બની ગઇ છે. વિશ્વામિત્રી નદી કિનારા પર બિલ્ડરોને ખુલ્લેઆમ બિલ્ડીંગો બાંધવા માટે પરમીશન આપી દેવામાં આવે છે જેને કારણે પણ દર વર્ષે પુરનો ભોગ અમારા જેવા મધ્યમ વર્ગનાં લોકો બને છે.
વડોદરા શહેરનાં ત્રણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ટ્રેન, બસ, વિમાન સેવાઓ સ્થગીત કરી દેવી પડી હતી. લાખો લોકોએ લાઇટ, પાણી વિના નિસહાય હાલતમાં ઘરમાં પુરાઇ રહેવું પડ્યું હતું. સ્થિતિ એ હદે પહોંચી હતી કે, દુધ અને શાકભાજીનાં પણ કાળાબજાર થવા લાગ્યા હતા. આ પુરની પરેશાની કુદરત કે માનવસર્જીત નહીં પણ સંપુર્ણપણે વડોદરા મહાનગર પાલિકા સર્જીત છે. કોર્પોરેશનનાં નગર આયોજન તથા ઇજનેરી વિભાગની મુર્ખામી તેમજ અણધડ આયોજનને લીધે શહેરીજનોએ આ મુસીબત વહોરવી પડી છે તેમ પણ ભણેલા-ગણેલા શહેરીજનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું.
પ્રકાશ વર્મા એ જણાવ્યું હતું કે, શહેરનાં પાંચ ધારાસભ્યો અને એક સંસદ સભ્ય શહેરમાં જ રહે છે તેમ છતાં બે દિવસ સુધી અમે પાણીમાં રહ્યાં. અને અમે જે મુશ્કેલીઓ ભોગવી છે તે માટે આશ્વાસન આપવા પણ ડોકાયા નથી. ભાજપના કાર્યકરોએ પણ ચુંટાયેલા કોર્પોરેટરો તથા ધારાસભ્યો સામે નારાજગી વ્યકત કરી હતી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
છેલ્લા બે દિવસથી પાણીમાં ફસાયેલા શહેરીજનોને આશ્વાસન માટે પણ ભાજપના કોઇ નેતા લોકોની વચ્ચે નહીં જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જેની નોંધ પ્રદેશ નેતાગીરીએ લીધી હતી. જેને પગલે આજે સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ પાણી ભરાયા હતા જે વિસ્તારમાં લોકોની વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં લોકોએ તેમને બરાબરની સભળાવી હતી અને પોતાની નારાજગી વ્યકત કરી હતી. તેમજ મહાનગર પાલિકાનાં વહીવટી તંત્રની કેવી કામગીરી છે તેનો ભોગ અમે બનીએ છે તેમ જણાવ્યું હતું.