મેલબર્ન,તા.૨૦
બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પર એક વર્ષ જ્યારે કેમરૂને બેનક્રૉફ્ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંગળવારે આ ત્રણેયની સજા પર સમીક્ષા કરવામાં આવી પરંતુ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી કોઇ નરમાશ દાખવવામાં નથી આવી અને આ ત્રણેય પરનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઇ હતી જ્યાં ટેસ્ટ સીરીઝ દરમિયાન આ ત્રણેય ક્રિકેટર બૉલ ટેમ્પરિંગના દોષી સાબિત થયા હતા. તે સમયના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વૉર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો, જ્યારે બેનક્રૉફ્ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો.
ઑસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશને હંમેશાથી આ પ્રતિબંધને ખૂબ જ સખત નિર્ણય ગણાવ્યો અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પર તેમની સજાની સમીક્ષાનું દબાણ કર્યુ.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સમીક્ષા બાદ જણાવ્યું કે અમે ઑસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશનના તમામ પક્ષ સાંભળ્યા બાદ નિર્ણય લીધો છે કે ત્રણેયની સજામાં કોઇ ઘટાડો કરવામાં નહી આવે. આ ત્રણેય પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો નોંધાયો છે. તેવી આશા રાખવામાં આવી રહી હતી કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા આ ત્રણેય પર નરમાશભર્યુ વલણ દાખવશે અને પ્રતિબંધના સમયગાળા કેટલોક ઘટાડો કરશે પરંતુ તેવું કંઇ ન બન્યુ.