(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક ચોકીદારે મુસ્લિમ દર્દીના સગાની દાઢી પકડી આતંકવાદી કહેતા મામલો બીચક્યો હતો અને સગાના ટોળે-ટોળા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ત્યાર બાદ ટોળા અને અન્ય ચોકીદારો વચ્ચે હાથાપાઈ થવાની સાથે મોડી રાત સુધી ભારે વિવાદ અને હોબાળો થયો હતો. જેથી પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા કમેલા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ દર્દીને પેટમાં તકલીફ હોવાને કારણે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલના ચોથા માળે આવેલ એક વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. દરમિયાન સોમવારે રાત્રે ૯થી ૯ઃ૩૦ વાગયાના અરસામાં દર્દીના એક સગા તેને મળવા માટે ગયા હતા. દરમિયાન એન્ટ્રેન્સ ગેટ પાસે તૈનાત એક ચોકીદારે એક બુઝુર્ગ મહિલા સાથે અંદર જવા બાબતે ઉદ્દત વર્તન કર્યું હતું. આ જોઈને ઉપરોક્ત મુસ્લિમ યુવાને ચોકીદારને બુઝુર્ગ મહિલા સાથે વ્યવસ્થિત વાત કરવાનું કહેતા વાતનું વતેસર થઇ ગયું હતું અને મુસ્લિમ યુવાન તથા ચોકીદાર વચ્ચેબોલાચાલી શરૂ થઇ ગઈ હતી. ત્યારે અન્ય કેટલાક ચોકીદારો ત્યાં દોડી આવ્યા હતા અને મુસ્લિમ યુવાન સાથે ધક્કા મુક્કી થવા લાગી હતી. તે દરમિયાન એક ચોકીદારે મુસ્લિમ યુવાનની દાઢી પકડી તેને આતંકવાદી કહેતા મામલો બિચક્યો હતો. મુસ્લિમ યુવક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. એટલામાં નવા કમેલાથી તેના અન્ય સગા સબંધીઓ અને પરિચિતોને જાણ થતા ટોળે-ટોળા સ્મીમેર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ વણસવા લાગી હતી. ટોળા અને ચોકીદારો વચ્ચે ભારે વિવાદ અને હાથાપાઈથી લઈને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ટોળું વિફરી જતા ચોકીદારોએ પોલીસને જાણ કરી હતી. જેથી પીસીઆર વાહન સાથે પોલીસ પણ ત્યાં ધસી આવી હતી. તેમજ કેટલાક મુસ્લિમ આગેવાન પણ ત્યાં દોડી આવ્યા હતા અને બને પક્ષોને સમજાવવા તથા શાંત કરાવવાની કોશિશ કરી હતી. આક્રોશિત મુસ્લિમ યુવાનોએ આવા શબ્દો કહેનારા ચોકીદારને માફી માંગવાની માંગ કરી હતી. મોડી રાત સુધી ટોળા અને ચોકીદારો વચ્ચે ભારે હોબાળા બાદ ચોકીદારે માફી માંગી મુસ્લિમ યુવાનને ભેટી પડતા આખો મામલો થાળે પડ્યો હતો અને ટોળું ત્યાંથી વિખેરાય ગયું હતું.