સુરત, તા.૧૯
શહેરમાં કોરોનાના વધુ ૩ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. સ્લોવેસ્કીયાથી આવેલા અઠવાના યુવક, ઈન્ડોનેશિયાથી આવેલી મહિલા અને કોઈમ્બતુરમાં પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં રહ્યા બાદ સુરત આવેલા યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા ત્રણેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે બે યુવકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.તો આજે ભય વધતા લોકો સિવિલ હોસ્પિટલ તપાસ માટે પહોંચી રહ્યાં છે.
ભયથી લોકો તપાસ માટે સિવિલ દોડી આવે છે
ઘોડદોડ રોડ પર પાડોશીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા મહિલા સહિત પતિ બાળકને લઈને સિવિલ દોડી આવ્યું હતું. રાજસ્થાનીના સંપર્કમાં આવેલા ચાર વ્યક્તિ પણ તપાસ કરાવવા સિવિલ પહોંચ્યાં હતાં. વરાછાનો યુવક વિદેશથી આવ્યા બાદ શરીરમાં તકલીફ જણાતા સિવિલ હોસ્પિટલ તપાસ કરાવવા માટે દોડી આવ્યો હતો.હજીરાથી પણ એક યુવકમાં લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
અઠવા ઝોન વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય યુવક સ્લોવેસ્કીયાથી વરછા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય મહિલા ઈન્ડોનેશિયાથી તેમજ સાઉથ ઈસ્ટ ઝોન વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય યુવક કોઈમ્બતુરથી પરત ફર્યાં હતા. તેઓને હાલ શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના પણ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. આ સાથે રાહતની વાત એ પણ છે કે અગાઉના બે યુવકના રિપોર્ટ નેેગેટિવ આવતા તેમને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬ દર્દીઓ શંકાસ્પદ સામે આવ્યા હતા.