ડભોઈ, તા.ર૬

શિનોરના સાધલી ગ્રામ પંચાયત વહીવટી તંત્ર દ્વારા સાધલી ગામને સ્માર્ટ ગામ બનાવવાની ગુલબાંગો પોકળ સાબિત થયેલ જોવા મળી હતી અને પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાતનો સાધલી ગ્રામ પંચાયત દ્વારા ફિયાસ્કો કરેલ જોવા મળ્યો હતો. વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના સાધલી તો સમગ્ર શિનોર તાલુકાનું મુખ્ય મથક હોય અને વેપાર ધંધાના કારણે પબ્લિકની પણ ખાસી અવર-જવર હોય છે. સાધલી ગ્રામ પંચાયત દ્વારા હાલમાં પંચાયત જવાના રસ્તે તળાવની પાળ પર આઈ લવ સાધલીનું બોર્ડ મૂકી અને લાઈટિંગ લગાવી સાધલી ગામને સ્માર્ટ ગામ બતાવવાની કોશિશ કરવામાં આવી છે જ્યારે હકીકત કંઈક અલગ જ છે. સાધલી પોલીસ સ્ટેશનની બાજુમાં મોકાની જગ્યા પર ૪ લાખ ઉપરાંતના ખર્ચે બનાવવમાં આવેલ જાહેર શૌચાલય બંધ હાલતમાં હોય અને બાજુમાં પંચવટી બાગ હોય અને ખાણી- પીણીની લારીઓ હોવાથી પબ્લિકની સારી એવી અવર-જવર હોય કુદરતી હાજત જવા માટે પબ્લિકને બાગની બાજુમાં ખુલ્લી જગ્યામાં જવાનો વારો આવે છે. જ્યારે આખા સાધલી બજારમાં એકપણ શૌચાલય ન હોવાથી મહિલાઓને કુદરતી હાજત માટે મુશ્કેલી પડી રહી છે. સાધલી ગ્રામ પંચાયત દ્વારા લાલજીનગર પાસે શિનોર રોડ પર, ટીમ બરવા રોડ પર, માંજરોલ રોડ પર, નવી નગરીમાં આ તમામ જગ્યાઓ પર બનાવવામાં આવેલ જાહેર શૌચાલયો ભંગાર હાલતમાં જોવા મળેલ છે. સત્તાધીશો દ્વારા કહેવાય રહ્યું છે કે, આ શૌચાલયો આગળની પંચાયત વખતના ભંગાર હાલતમાં છે તો  પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતા અભિયાનની મળતી ગ્રાન્ટોના રૂપિયા ક્યાં જાય છે ? જવાબદાર અધિકારીઓ જાતે સાધલી ગામનો સર્વે કરે તેવી લોક માંગ ઊઠવા પામી છે.