(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
રેટિંગ એજન્સી ફિચે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થાના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સીના મતે, આ વર્ષ ભારતનો અર્થિક વિકાસ દર -૫% સુધી રહી શકે છે. અગાઉ એપ્રિલમાં ફિચ ૦.૮ ટકાના ગ્રોથનો અંદાજ વ્યક્ત કર્યો હતો. એજન્સી મુજબ, આર્થિક ગતવિધિઓ પર રોક અને લોકડાઉનમાં અત્યંત કડક નીતિને કારણે આવી સ્થિતિ પેદા થઈ શકે છે. ફિચે જણાવ્યું છે કે, ભારતના આર્થિક ગ્રોથના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને પહેલા અંદાજ ૦.૮ ટકા હતો હવે તેમાં ફેરફાર કરીને અર્થવ્યવસ્થામાં -૫ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.
ફિચે જણાવ્યું કે, ભારતે લોકડાઉનની કડક નીતિનું પાલન કર્યું છે અને જે ઘણા સમય સુધી ચાલ્યું છે. શરૂઆતમાં થોડા સપ્તાહના જ લોકડાઉનનો અંદાજ હતો પરંતુ હવે અંદાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, તેમણે મે મહિનાના પોતાના વૈશ્વિક અંદાજમાં ઘટાડો કર્યો છે. વૈશ્વિક આર્થિક ગતિવિધિ ધીમે-ધીમે સમાપ્ત થઈ રહી છે. સૌથી વધારે ઘટાડો ભારતના વૃદ્ધિ દરમાં કરાયો છે. ચાલું નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં પાંચ ટકાનો ઘટાડો આવશે. અગાઉ ભારતીય અર્થવ્યવસ્થામાં ૦.૮ ટકાની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કરાયો હતો.
અર્થવ્યવસ્થામાં સુસ્તીને લઈને ફિચે જણાવ્યું છે કે, લોકડાઉન લંબાવવાને કારણે મુશ્કેલી થઈ છે જેને કારણે આર્થિક સુસ્તીમાં વધારો થયો છે. આર્થિક ગતિવિધિઓના જે આંકડા સામે આવી રહ્યા છે જે ખૂબજ નબળા છે. આ સાથે જ એજન્સીએ વર્ષ ૨૦૧૯-૨૦માં વૃદ્ધિ દર ૩.૯ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ફિચે જણાવ્યું છે કે, ૨૦૨૧-૨૨માં ભારતનો વૃદ્ધિ દર સુધારાની સાથે ૯.૫ ટકા સુધી પહોંચી શકે છે.