વડોદરા, તા.૧૧
વડોદરા શહેરના ગરીબ લારી ગલ્લા વાળાને સ્વનિધિ યોજના હેઠળ રૂપિયા ૧૦ હજારની સહાય આપવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ બેંકોમાં ૧૨૦૮૧ લોન માટે અરજી કરી હતી. તેમાંથી આજદિન સુધી માત્ર ૬૧૬ લોન મળી છે જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી એ બેંકના અધિકારીઓને બાકી રહેલા અરજદારોને તાત્કાલિક લોન આપવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. દેશભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સતત ત્રણ મહિના સુધી કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જેને કારણે અનેક ગરીબ મધ્યમ વર્ગના લારી ગલ્લાવાળાની આર્થિક પરિસ્થિતિ ગંભીર બની હતી જેને ધ્યાનમાં રાખી તેઓને રૂપિયા ૧૦ હજારની લોન આપવા સ્વનિધી યોજના અમલમાં મૂકી હતી પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ૧૨૦૮૧ અરજદારોએ લોન લેવા માટે અરજી કરી હતી પરંતુ બેંક તરફથી માત્ર ૬૧૬ ને જ હજુ સુધી માં લોન મળી છે જેને કારણે લારી ગલ્લાવાળા બેંકના ધક્કા ખાઇ રહ્યા છે. ફોર્મ ભર્યાને ત્રણથી ચાર મહિનાનો સમય થઈ ગયો છતાં પણ માત્ર રૂપિયા ૧૦ હજારની લોન આપવામાં પણ વિવિધ બેંકોના અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવતા તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પીએ વિવિધ બેંકોના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી જેમાં લારી ગલ્લાવાળાને આપવામાં આવનાર લોન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખી કમિશનર સ્વરૂપ પીએ બેંકના અધિકારીઓને સૂચના આપી હતી કે તમામ અરજદારોને લોન વેલી તકે મળી જાય અને આ યોજનામાં સો ટકા સિદ્ધિ હાંસલ થાય તે પ્રમાણેનું આયોજન કરવાનું રહેશે.