એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ ચુકાદા પર અભિનેત્રીના વિધાનો હકીકતલક્ષી હતા અને ન્યાયતંત્ર પર આક્રમણ સમાન નથી

(એજન્સી)              તા.૨૪

એટર્ની જનરલ વેણુગોપાલે અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ અદાલતની અવમાનનાની ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરવા માટે મંજૂરી આપવાનો ઇન્કાર કરીને જણાવ્યું છે કે સુપ્રીમકોર્ટ દ્વારા રામજન્મભૂમિ ચુકાદા અંગે સ્વરા ભાસ્કરે કરેલા વિધાનો એ સંસ્થા પર આક્રમણ સમાન નથી.

કેટલાક વકીલોના સમૂહના સમર્થન સાથે ઉષા શેટ્ટીએ આ બાબતે એક પિટિશન દાખલ કરી હતી. આ બાબત સાથે સંકળાયેલ એક વકીલ મેહક મહેશ્વરી પણ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ ફરિયાદમાં એક અરજદાર છે. પિટિશનરના વકીલોએ વેણુગોપાલનો સંપર્ક કર્યો હતો કારણ કે કોઇ વ્યક્તિ સામે અવમાનનાની કાર્યવાહી શરુ કરવા માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ ૧૯૭૧ની કલમ ૧૫ હેઠળ એટર્ની જનરલ કે સોલિસીટર જનરલની મંજૂરી જરુરી છે.        પિટિશનરે એવો દાવો કર્યો હતો કે સ્વરા ભાસ્કરનું નિવેદન અપમાનજનક અને નિંદનીય છે. આ લોકપ્રિયતા મેળવવાનો એક સરળ રસ્તો હતો પરંતુ લોકોને સુપ્રીમકોર્ટ વિરુદ્ધ ભડકાવવાની કોશિષ કરવામાં આવી છે. તેમણે બે પેરેગ્રાફ ટાંક્યા હતાં જેમાં પ્રથમમાં સ્વરા ભાસ્કરને એવું કહેતા ટાક્યાં છે કે આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં સુપ્રીમકોર્ટ ચુકાદામાં જણાવે છે કે બાબરી મસ્જિદ શહીદી ગેેરકાયદે હતી અને આ જ ચુકાદામાં મસ્જિદને ધરાશાયી કરનારને ઇનામ આપે છે.

આપણે એવી સ્થિતિમાં છીએ કે જેમાં અદાલતોને જ ખબર નથી કે તેઓ બંધારણમાં માને છે કે નહીં. તેના જવાબમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે સ્વરા ભાસ્કરનું નિવેદન તેનું અંગત મંતવ્ય છે અને ન્યાયતંત્રની સંસ્થા પર હુમલો નથી. બીજા નિવેદનમાં અદાલત અને બંધારણની વાત કરવામાં આવી છે જે એક અસ્પષ્ટ ટિપ્પણી છે અને કોઇ ચોક્કસ અદાલત સામે સંબંધ ધરાવતી નથી અને તેને કોઇ ગંભીરતાથી નહીં લે.