અમદાવાદ, તા.રપ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર ર૬ જુલાઇએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષમાં બપોરે ૩ કલાકે યોજાનારા ૧૮૪માં ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ર૦૦૩ની ર૪મી એપ્રિલે સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી (જીઉછય્છ્‌)નો પ્રારંભ કરાવ્યો હતો. દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા આ રાજય સ્વાગત ઓનલાઇનની અત્યાર સુધીમાં ૧૮૩ સફળ શૃંખલા સંપન્ન થઇ છે. રાજ્ય સ્વાગતમાં મળેલી રજૂઆતોમાં ૯૩.૩૮ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ થયું છે. આવતીકાલે આ રાજય સ્વાગતની ૧૮૪મી કડીમાં શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહી પ્રજાજનોની રજૂઆતો-રાવ-ફરિયાદ કાને ધરશે. રાજ્ય સ્વાગત સાથોસાથ ર૦૦૩માં જ દર મહિનાના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાની રજૂઆતો રાવ-ફરિયાદનું જે તે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને નિવારણ લાવવાનો ઉપક્રમ શરૂ થયો હતો. તેમાં અત્યાર સુધી મળેલી ૮પ૩પ૭ રજૂઆતોમાંથી ૮પર૦૩નો નિવેડો લાવી દઇ ૯૯.૮ર ટકા સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.