(એજન્સી)               તા.૧૩

વેઠિયા પદ્ધતિ સામે ઝુંબેશ ઉપાડનાર જાણીતા ચળવળકાર, સરકાર અને માઓવાદી નેતાગિરી વચ્ચે સેતુરૂપ મધ્યસ્થિ, અણ્ણા હઝારેની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના ભાગીદાર, આર્યસમાજના નેતા અને રીઅલ્ટી ટીવી શોના સ્પર્ધક એવા સ્વામી અગ્નિવેશની યશકલગીમાં અનેક ગૌરવપૂર્ણ પીંછા હતાં. તેમની ઘટનાસભર  આઠ દાયકા લાંબી જીવનયાત્રાનો અંત મલ્ટી ઓર્ગન ફેલ્યોર સામે ઝઝૂમ્યાં બાદ શુક્રવારે દિલ્હી હોસ્પિટલ ખાતે આવ્યો હતો.  સાંજે ૬.૩૦ કલાકે તેમનું દુઃખદ નિધન થયું હતું. તેમના અનેક અવતારોમાં અગ્નિવેશ વેઠ પદ્ધતિ સામે તેમની સઘન લડત સર્વવિદીત છે. તેમણે વેંઠ પદ્ધતિ અને બાળ મજૂરીના કલંકમાંથી ભારતને મુક્ત કરવા ૧૯૮૧માં બંધુઆ મુક્તિ મોરચાની રચના કરી હતી. તેમની વેબસાઇટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંધુઆ મુક્તિ મોરચાએ ૨૬ વેંઠીયા બાળ મજૂરો સહિત ૧૭૮૦૦૦ વેઠિયા મજૂરોની મુક્તિ અને પુનર્વસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અન્યાય સામેની તેમની લડતમાં અને કોમી એખલાસને પ્રોત્સાહિત કરવા માટેની તેમની ઝૂંબેશ સાથે નિકટતાથી સંકળાયેલ જમાતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ એન્જિનીયર મોહમદ સલીમે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે સ્વામી અગ્નિવેશજી આ ભૌતિક દુનિયા છોડીને ચાલ્યાં ગયાં છે. ભારત અને ભારતીય સમાજ માટે આ સૌથી મોટી ખોટ છે. સ્વામીજી માનવ અધિકાર અને માનવ ગરીમાના રક્ષણ માટે એક મહાન યોદ્ધા હતા. તેમણે  સમાજના નબળા અને વંચિત વર્ગોના અધિકારો માટે સતત સંઘર્ષ કર્યો હતો. તેમના લાંબા સમયના સહયોગી અને નોબલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આર્ય સમાજના અગ્રણી નેતા, વેંઠપ્રથા સામેના જેહાદી અને મારા જૂના મિત્ર સ્વામી અગ્નિવેશજીના અવસાન પર મારી ઊંડી દિલસોજી.ઘણાને કદાચ એ ખબર નહીં હોય કે સ્વામીજી એક તેજ તરાર રાજકીય નેતા પણ હતાં. ૧૯૭૭માં હરીયાણા વિધાનસભામાં ચૂંટાયાં હતાં અને તેઓ થોડા સમય શિક્ષણ પ્રધાન તરીકે રહ્યાં હતાં. આર્ય સમાજના આ લોકપ્રિય નેતા વર્લ્ડ કાઉન્સિલ ઓફ આર્યસમાજના પ્રમુખ તરીકે ૨૦૦૪માં ચૂંટાયાં હતાં. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે સ્વામી અગ્નિવેશ રીઅલ્ટી શો બિગ બોસના એક સ્પર્ધક પણ હતાં.