(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.૧૪

રાજ્યમાં અમદાવાદ શહેર બાદ દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ છે, તેમ છતાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અત્યારથી જ રેલીઓ, સભાઓ, યોજ્યા બાદ રાજકીય નેતાઓ અને કાર્યકરો પણ સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે ચૂંટણી જીતવાની હોડમાં રાજકીય પક્ષો ગુજરાતના લાખો નાગરિકોના જીવને જોખમમાં મૂકી રેલીઓ કાઢે તો સંક્રમણ બેકાબૂ બને તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય દબાણ હેઠળ ચૂંટણી પંચની ગાઈડલાઈનને અવગણી એક માસ સુધી મેળાવડા જામે તો પરિસ્થિતિ કઈ હદે ગંભીર થઈ શકે છે, તેની કલ્પના જ ધ્રૂજારી મૂકે તેવી છે, તેમ વિચારી દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ગુજરાત હાઈકોર્ટના ચીફ રજિસ્ટ્રારને પત્ર પાઠવી કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા લાખો નાગરિકોના હિતમાં રાજ્યમાં જ્યાં સુધી વેક્સિન ઉપલબ્ધ ન થાય અને કોરોના સંક્રમણ નાબૂદ ન થાય, ત્યાં સુધી રાજકીય કાર્યક્રમો ઉપર હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ વધુમાં જણાવ્યું છે કે, સરકારી તંત્રએ લાચાર અવસ્થામાં રાજકીય પ્રવૃત્તિઓને છૂટો દોર આપ્યો છે. પ્રચાર માધ્યમોમાં જનતાને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાના સૂફિયાણા ઉપદેશ આપતા મુખ્ય જવાબદાર નેતાઓ આઠ વિધાનસભાની પેટાચૂંટણી તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાની લ્હાયમાં રેલીઓ કાઢી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, દ. ગુજરાતના સુરત, ગાંધીનગર, અંબાજીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, પણ અહીં બેફામ રાજકીય પ્રવૃત્તિઓને વેગ અપાઈ રહ્યો છે અને હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. તમામ સ્થળોએ સભાઓ, રેલીઓના આયોજન દ્વારા બેઠકોના દોર ચલાવી હજારો લોકોને સંક્રમિત કર્યા પછી કોરોનાગ્રસ્ત નેતાઓ પણ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. રાજકીય આગેવાનો, કાર્યકરો રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. માસ્ક પણ ધારણ કરતા નથી, એક વ્યક્તિથી બીજી વ્યક્તિને નહીં પણ સેંકડો લોકોને ચેપ પ્રસરી રહ્યો છે, તે બાબત પ્રસ્થાપિત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર રાજ્યમાં યોજાવાની છે, ત્યારે સતત એક માસ સુધી જો લોકો મેળાવડો જમાવશે. મહાનગરોથી લઈ નગરપાલિકા વિસ્તારો, તાલુકા, જિલ્લા તથા ૧૮,૦૦૦ જેટલા નાના ગામડાઓ સુધી લોકો મોટી સંખ્યામાં એકત્ર થશે, તેમજ ઉમેદવારીપત્રક ભર્યાથી પ્રચારમાં રેલીઓ, સભાઓ, ગ્રુપ મીટિંગ, મતદાન અને વિજય સરઘસમાં તો સમગ્ર રાજ્યની પરિસ્થિતિ કેટલી ગંભીર થવા પામશે, તે વિચારીને પણ કંપારી છૂટી જાય છે. કારણ કે, આ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ તંત્ર જાળવી શકશે નહીં અને રાજકીય દબાણ હેઠળ નેતાઓ તંત્રને ધાકધમકીથી બાજુએ હડસેલી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આત્મઘાતી સ્વાર્થી નેતાઓની બિનજવાબદાર રાજકીય પ્રવૃત્તિઓને કારણે હજારો લોકો ગુજરાતમાં સુપર સ્પ્રેડર્સ બની ગયા છે, જે એક જગ્યાએથી ચેપ ગુજરાતના નાના-નાના ગામડાઓ સુધી લઈ જઈ રહ્યા છે. ગરીબ, વૃદ્ધ અને અન્ય બીમારીથી પીડાતા નાગરિકોને કોરોનાનો ચેપ આપી રહ્યા છે અને તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. હાલની સ્થિતિમાં ગુજરાતમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે, તે સંજોગોમાં આ ગેરજવાબદાર રાજકીય પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા અનિવાર્ય બની ગયો છે.