અંકલેશ્વર, તા.૪
કોઠાને સંસ્કૃતમાં ‘કપીત્થ’ કહે છે. કપી એટલે વાંદરા, વાંદરા ઓને કોઠા બહુ ભાવે છે. આથી એનું નામ કપીત્થ છે. કોઠું મધુર, ખાટું, તુરૂ, સહેજ કડવું, ઠંડું છતાં કામશક્તી વધારનાર, મળને રોકનાર તથા પીત્ત, વાયુ અને વ્રણનો નાશ કરનાર છે. કાચું કોઠું કંઠ માટે હીતકર છે. ગ્રાહી, કફ તથા વીષનાશક અને વાયુકારક છે. પાકું કોઠું મધુર, ખાટું તથા સુગંધી હોવાથી રૂચીકારક, દોષનાશક, વીષનાશક, ગ્રાહી, ભારે, કંઠને સાફ કરનાર, પૌષ્ટીક તથા કફ, વાયુ શ્વાસ, ખાંસી, અરૂચી અને તૃષા-તરસને મટાડે છે. કોઠાના ગર્ભમાં સાઈટ્રીક એસીડ અને રાખમાં જવખાર, કેલ્શીયમ અને લોહનો ક્ષાર હોય છે. એ દહીંના જેવા ગુણવાળું હોવાથી એને દધીફલ પણ કહે છે. એ અતીસાર, સંગ્રહણી અને રક્તાર્શમાં ઉપયોગી છે. હાલ કોઠાની ઝઘડિયા તાલુકામાં ભારે બોલબાલા છે. કોઠામાં આદુ, મરચું, કોથમીર, ફુદીનો, ગોળ વગેરે નાખી બનાવેલી ચટણી જમવાના એકાદ કલાક પહેલાં જરા જરા ચાટીને ખાવાથી ખોરાક પરની અરૂચી દૂર થાય છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. કોઠા આમતો સ્વાદે ખાટા હોય છે પણ એમા મસાલો તેમજ કલર વાળી બનાવેલ લાલ ચાસણીથી એના સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે. ખાસ સ્ત્રીઓને તો કોઠું દેખતા જ મોમાં પાણી આવી જતું હોય છે. તેમજ નાના બાળકોનો અતી પ્રીય ફળ છે.
સ્કૂલના ટાઈમે રિસેસમાં કોઠાની મિજબાની તો લગભગ બધા એ માણી જ હશે પરંતુ આજે પણ કોઠું દેખાય એટલે આપણને બાળપણ યાદ આવી જતું હોય છે.
Recent Comments