(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૦
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વધતા કેસને લઈને લોકડાઉનની સમયમર્યાદા ૨૧ દિવસથી વધુ કરવાની ચર્ચા ચાલી રહી છે. ભારતે હજુ સુધી આ વાયરસના સંક્રમણને રોકવામાં સફળતા મળી નથી, ભારત સાથે જ દુનિયાના એક દેશે લોકડાઉન શરૂ કર્યું હતું અને ત્યા અત્યારે સ્થિતિ સામાન્ય થવા લાગી છે. ભારત અને ન્યૂઝીલેન્ડે એક જ દિવસે લોકડાઉનની ઘોષણા કરી હતી. એક બાજુ ન્યૂઝીલેન્ડે કોરોના સામે જીત મેળવી લીધી છે અને અહિંયા સતત કેસોની સંખ્યા ઘટી રહી છે. અહિંયા સતત ચોથા દિવસે કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ ભારતની વાત કરવામાં આવે તો અહિંયા સંક્રમિતોની સખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક સપ્તાહના આકડા પર નજર કરવામાં આવે તો રોજના ૫૦૦ કેસ સામે આવી રહ્યા છે. લોકડાઉનની ઘોષણા સમયે ન્યૂઝીલેન્ડમાં માત્ર ૨૯ કેસ હતા જ્યારે ભારતમાં આ આંકડો ૫૯૦ કેસ હતા. ન્યૂઝીલેન્ડના પીએમ એસિંડા એર્ડને ચાર સપ્તાહ માટે લોકડાઉનની ઘોષણા કરી હતી, તો તે જ દિવસે પીએમ મોદી દેશના નામે કરેલા સંબોધનમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડની જેમ ભારતમાં પણ કરિયાણુ, શાકભાજી, દવાની દુકાનોને છોડીને બાકી બધુ બંધ છે. બંને દેશ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે. તેમ છતાં ભારતમાં સંક્રમિતોની સંખ્યાં ૬૪૦૦થી વધારે છે અને ન્યૂઝીલેન્ડમાં ૧૨૦૦ની આસપાસ છે. ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર ૫૦ લાખ છે. કોરોના સામે લડવામાં ભારત માટે સૌથી મોટી સમસ્યા ૧૩૦ કરોડ લોકોની વસ્તી છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાની સંખ્યાં ૧૦૨ પર હતી ત્યારથી જ પગલાં લેવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે ભારતે ૧૭૫ કેસ સામે આવ્યા બાદ કડક પગલા લેવાનું શરૂ કર્યું. કેટલીક જગ્યાએ ધારા ૧૪૪ લાગુ કરાઈ અને ૨૨ માર્ચમાં રોજ જનતા કર્ફયૂ લગાવવામાં આવ્યો. બંને દેશમાં સૌથી મોટુ અંતર એ વાતનું જોવા મળ્યું કે, ન્યૂઝીલેન્ડના લોકોએ આઈસોલેશનને સ્વિકાર્યું અને લોકડાઉનને ગંભીરતાથી લીધું. પરંતુ ભારતમાં લોકડાઉનને ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યું. જેના કારણે કેસોની સંખ્યામાં સતત વધી રહી છે. ભારતમાં તબ્લીગી જમાતના કારણે પણ મોટી સંખ્યમાં કેસોની સંખ્યા વધી છે.