(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો પ્રારંભ કરાવતા આજે વિપક્ષ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ આપ્યા નથી અને કયારેય ખરીદી કરી નથી. પાક વીમાની માગણી કરનારા લોકોને કોંગ્રેસની સરકારે ગોળીએ દીધા હતા. કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારી રહી છે.
પૂર્વ વડાપ્રધાન વાજપાઈના જન્મદિવસ સુશાસન દિવસે રાજ્યભરમાં ર૪૮ તાલુકા સ્થળોના કાર્યક્રમોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમારી સરકારે કદી ન મળેલા ટેકાના ભાવ ખેડૂતોને આપ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે વખતો વખત ટેકાના ભાવ વધારી પૂરતા ભાવ આપ્યા છે. આ વર્ષે ૧૧૦૦ રૂપિયામાં મગફળી વેચાણી છે. પાક વીમામાં વીમા કંપનીની આડોડાઈ કાઢીને સરકાર પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના લાવ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં નર્મદા યોજના દ્વારા ખેડૂતોને ગામે ગામ પાણી આપવામાં આવી રહ્યું છે. આ એ જ કોંગ્રેસ છે જે સત્તામાં હતી ત્યારે તેણે કેન્દ્રમાં નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની પરવાનગી ન આપી અને વિકાસમાં રોડા નાખ્યા હતા. મુખ્યમંત્રીએ ભૂતકાળની કોંગ્રેસી સરકારોએ ખેડૂતોને પાણી, વીજળી, બિયારણથી વંચિત રાખી જગતનો તાત, રૂએ દિન-રાત જેવી હાલત કરી નાખી હતી. તેની દુઃખદ સ્થિતિની વાસ્તવિકતા વર્ણવી હતી. આ સંદર્ભમાં તેમણે કિસાન આંદોલનના નામે મગરના આંસુ સારવા નીકળેલા પક્ષોને સવાલ કર્યો કે, ખેડૂત અને ગુજરાતનું હિત જો તેમનામાં હતું તો કેમ સાત-સાત વર્ષથી નર્મદા ડેમના દરવાજા ફિટ કરવાની મંજૂરી ના આપી ?
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સૌની યોજનાને અને પાઈપલાઈનથી નર્મદાના પાણી આપવાની વાતને મૂંગેરીલાલ કે સપને અને પાઈપમાંથી હવા નીકળશે પાણી નહીં, તેવું કહેનારા લોકોની જ આજે હવા નીકળી ગઈ છે. મુખ્યમંત્રીએ પ્રવર્તમાન કિસાન આંદોલનમાં કૂદી પડેલા રાજકીય પક્ષો પ્રત્યે ટિપ્પણી કરતા ઉમેર્યું કે, દેશના ઈતિહાસમાં ક્રાંતિકારી કૃષિ સુધારા નરેન્દ્ર મોદી સરકારે કર્યા તેમાં પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમાતું લાગ્યું એટલે વિરોધ કરવા નીકળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કિસાનોને નવી દિલ્હીથી કરેલા વીડિયો સંબોધનનું પ્રસારણ મહાત્મા મંદિરના મુખ્ય કાર્યક્રમ સહિત રાજ્યમાં ર૪૮ સ્થળોએ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.