(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
વતન જવાની જીદ સાથે પાંડેસરા, ગોડાદરા અને સચીન વિસ્તાર બાદ આજે સવારે ઔદ્યોગિક વિસ્તાર હજીરાના ઈચ્છાપોરના મોરાગામ ચાર રસ્તા ઉપર આજે સવારે મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તા ઉપર ઉતરી આવી તોફાન મચાવ્યું હતું. શ્રમિકોએ તેમને સમજાવવા માટે આવેલા પોલીસ ઉપર પથ્થરમારો કરતા વાતાવરણ તંત્ર બન્યું હતું. આખરે પોલીસે વિફરેલા ટોળાને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવાની સાથે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
આજે સવારે ઈચ્છાપોરના મોરાગામ વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં શ્રમિકો વતન જવાની માંગ સાથે સવારે સાડા નવેક વાગ્યે ચાર રસ્તા ઉપરી આવ્યા હતા. શ્રમિકો રોડ ઉપર આવ્યા હોવાનો મેસેજ મળતા પોલીસ તેમને સમજાવવા માટે ગઈ હતી. તે દરમિયાન શ્રમિકોએ તેમના ઉપર પથ્થરમારો કર્યો હતો. શ્રમિકોએ હોબાળો મચાવી પથ્થરમારો શરૂ કરતા પોલીસ અધિકારીઓ સહિતનો મોટી સંખ્યામાં કાફળો સ્થળ પર દોડી ગયો હતો અને ટોળાને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવાની સાથે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વતન જવાની જીદ સાથે શ્રમિકો દ્વારા શહેરના કોઈના કોઈ વિસ્તારમાં હોબાળો મચાવવામાં આવી રહ્યાં છે. મોરાગામ પહેલા પાંડેસરા, ગોડાદરા અને સચીન વિસ્તારમાં કારીગરો રસ્તા ઉપર ઉતર્યા હતા. આશરે ૧૦૦ જેટલા શ્રમિકોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.