(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
શહેરના છેવાડાના મહાકાય ઓદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે આવેલ ઓેએનજીસી કંપનીના ગેસ ટર્મિનલના ગેસ લાઈન ૧ અને ૩ વચ્ચે બુધવારે મોડી રાત્રે સવા ત્રણેક વાગ્યાના આરસામાં ધડાકાભેર બ્લાસ્ટ થવાની સાથે ભીષણ આગફાટી નિકળી હતી. પાંચ મિનીટના અંતરમાં થયેલા ત્રણ બ્લાસ્ટનો ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુના ૨૫ કિલોમીટર જેટલો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. કંપનીની આસપાસના ગામડા તેમજ પાલ, અડાજણ, રાંદેર, વેસુ, સહિતના આસપાસના વિસ્તારના લોકો ધ્રુજી ઉઠ્યા હતા. અને ડરના મારે ઘરથી બહાર દોડી ગયા હતા. તો આકાશ આગની જવાળાથી કેસરી રંગમાં ફેરવાઈ ગયું હતું. બનાવ અંગે જાણ થવાની સાથે મનપાના અડાજણ, પાલનપુર અને વેસુ ફાયર સ્ટેશનમાંથી છ ગાડીઓ રવાના કરવામાં આવી હતી, સ્થળ પર પહોંચેલા ફાયરના લશ્કરો પણ આગની જ્વાળા જાઈને ચોકી ગયા હતા. આગની જ્વાળા મોટી હોવાની સાથે તાપમાન ઊંચુ હોવાથી ફાયરના લશ્કરો દ્વારા અંદાજિત ૩૦૦ મીટર દૂરથી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સવાર સુધી પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. હાલ આગ કંટ્રોલમાં હોવાનુ કહેવાય છે અને આટલી મોટી દુઘર્ટના થઈ પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ઓએનજીસીમાં વિસ્ફોટની સાથે આગ ફાટી નીકળતા શહેરની પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા બાદ અને પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ ગુમ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યાં છે, જેમાંથી એક સિક્યોરિટી ગાર્ડ અને બે શ્રમિકમાં લાઇનમેન સહિતના હોવાનું ચર્ચાઇ રહ્યાં છે. જે પૈકી એકનું મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. મુંબઇથી સુરત આવતી ગેસપાઇપમાં ટર્મિનલ પાસે આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવવા માટે ઉભરાટ પાસે આવેલા વાલ્વને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉભરાટથી હજીરા (દુર્ઘટનાસ્થળ) સુધીના ગેસને ચીમની વાટે પ્રેશરથી સળગાવાયો હતો, જેથી પાઇપમાં રહેલો ગેસ સળગી જતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઓએનજીસીના આ પ્લાન્ટમાંથી થતો ગેસ હજીરાની ફર્ટિલાઇઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીઍનજી ઉત્પાદક કંપનીઓ, સિરામિક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતનાં છ રાજ્યમાં આ ગેસપાઇપલાઇન જાય છે, જેને કારણે આગથી ઓઍનજીસી કંપનીને અબજા રૂપિયાનું પ્રોડક્શન લોસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓઍનજીસી કંપનીમાં બોમ્બે હાઈવેથી ગેસ આવે છે, આગ લાગી ત્યારે કંપનીમાં નાઈટ સિફ્ટનો સ્ટાફ ગેસ ટર્મિનલ બિલ્ડિંગમાં હાજર હતો. બોમ્બે હાઈથી ગેસનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. ૩૦ કિ.મી સુધીના પાઈપલાઈનનો ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.
Recent Comments