(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ત્રણ કૃષિ કાયદાને લઈને છેલ્લા બે અઠવાડિયાથી ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદો પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને મંત્રીઓ વચ્ચે ઘણી બેઠકો થઈ ચૂકી છે, પરંતુ તેને લઈને હજુ સહમતિ નથી બની. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોના થયેલા મોતને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. વાયનાડના સાંસદે એક એક અખબારનું કટિંગ શેર કરતાં લખ્યું કે,‘ખેડૂત કાયદાને હટાવવા માટે આપણાં ખેડૂત ભાઈઓએ હજુ કેટલી આહુતિ આપવી પડશે? એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂત આંદોલનમાં અત્યાર સુધી ૧૧ ખેડૂતોનાં મોત થઈ ચૂક્યા છે. એ ખેડૂત પંજાબ અને હરિયાણાના અલગ અલગ ભાગોમાં રહેતા હતા.વીતેલા દિવસોમાં પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા શેર કરવામાં આવેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી ૧૧ ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે. કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ગત ૧૭ દિવસોમાં ૧૧ ખેડૂતોની શહાદત બાદ પણ નિરંકુશ મોદી સરકારનું દિલ નરમ નથી પડી રહ્યું , તેમણે સવાલ કરતા કહ્યું કે, સરકાર હજીપણ અન્નદાતાઓ સાથે નહિં પણ ધનદાતોઓ સાથે કેમ ઉભી છે? દેશ જાણવા માગે છે. રાજધર્મ મોટો કે, રાજહઠ ? આ પહેલા રાહુલ ગાંધીએ કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ કેટલાક ખેડૂત સંગઠનોના વિરોધની પૃષ્ઠભૂમિમાં શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે, દેશના ખેડૂત, પંજાબના ખેડૂતો બરાબર આવક ઈચ્છે છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમની આવક બિહારના ખેડૂતો બરાબર કરવા માંગે છે.