(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
૩૬૦ જવાનોથી સુરત એરપોર્ટને સુરક્ષિત રાખવાના કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ (ગૃહ મંત્રાલય)ની જાહેરાત પર સુરત એરપોર્ટ ઓથોરિટી (એસએએ)એ પાણી ફેરવી દીધું છે. કેમકે હજુ એક વર્ષ સુધી જવાનો તૈનાત થાય તેવી કોઈ સંભાવના નથી એમ એક આરટીઆઈના પ્રત્યુત્તરમાં ઘટસ્ફોટ થયો છે.
તારીખ ૧૦ જૂન ૨૦૨૦ના રોજ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બલ (ગૃહ મંત્રાલય) દ્વારા જારી કરવામાં આવેલ સરક્યુલર મુજબ સુરત એરપોર્ટ પર ૩૬૦ જેટલા સી.આઇ.એસ.એફ જવાનોને સુરત એરપોર્ટની સુરક્ષા સોંપી દેવાના હતા. જેના માટે સી.આઇ.એસ.એફ.ના તમામ સુરક્ષા કર્મીઓ માટે રહેવા લાયક સુવિધા પણ ત્રણ મહિનાની અંદર સુરત એરપોર્ટ દ્વારા આપવા માટેનો એમ.ઓ.યુ દિન ૧૫માં કરવાના હતા. છતાં પણ આજ દિન સુધી કોઇ એમ.ઓ.યુ. થયેલ હતો નહીં. જે અંગે આર.ટી.આઇ. કરીને માહિતી મંગાવતા ચોંકાવનારી આ માહિતી બહાર આવી છે.
તારીખ ૧૦.૬.૨૦૨૦ના રોજ ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સરક્યુલરના જવાબ રૂપે તારીખ ૧૮ જૂન ૨૦૨૦ના રોજ કેપ્ટન રાજ કે. મલિક (ઈ.ડી. સિક્યુરિટી) દ્વારા ડિરેક્ટર જનરલ સી.આઇ.એસ.એફ ( ગૃહ મંત્રાલયને)ને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, “હાલમાં ર્ષ્ઠદૃૈઙ્ઘ-૧૯ મહામારીના સમયમાં ફંડની અછત હોવાથી સુરત એરપોર્ટ ઉપર સી.આઇ.એસ.એફ.ના જવાનોને તૈનાત કરવાનું અશક્ય છે. માર્ચ ૨૦૨૧ પછી આ વિષય ઉપર પુનઃવિચાર કરીને ગૃહ મંત્રાલયને જણાવવામાં આવશે અને આ પત્ર સક્ષમ સત્તાની મંજૂરીના આધારે લખવામાં આવે છે. સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ કરેલી આર. ટી. આઇ. પ્રત્યુત્તરમાં ખુલાસો થયો છેકે, સીઆઈએસએફની ટુકડીને તૈનાત થતાં હજુ એક વરસ લાગી જશે.

ફ્લાઈટ્‌સ બંધ હોવાથી આવકનું મુખ્ય સ્ત્રોત બંધ

RTIમાં મળેલ માહિતી મુજબ ૩૬૦ જેટલા સી.આઇ.એસ.એફ જવાનો માટે માસિક ૨,૪૮,૮૧,૭૯૮ રૂપિયા પગાર પેટે તથા પગારના ૬૦% જિલ્લા રકમ અન્ય સુવિધા માટે ખર્ચો કરવાનો હોય છે. આ માટે અંદાજિત વાર્ષિક બોજ ૪૭.૭૭ કરોડથી પણ વધારે થવાની શકયતા છે. Covid-19 સંક્રમણ પૂર્ણ થાયા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય ત્યારે સુરત એરપોર્ટ પર સી.આઇ.એસ.એફ જવાનો તાત્કાલિક ધોરણે સિક્યુરીટી માટે મુકવાની ઘણી જરૂરી છે. હાલ આવકના સાધનો ઓછા હોવાના બહાના હેઠળ સુરક્ષાકર્મીઓને અટકાવી દેવા માટે ઉપલા લેવલથી કાવતરુ ઘડાયું હોય એવી શક્યતા નકારી શકાતી નથી.