જમૈકા, તા.૨
વેસ્ટઈન્ડીઝના સ્ટાર બેટ્‌સમેન ક્રિસ ગેલે કહ્યું કે, હાલમાં તે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના મૂડમાં નથી. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, તે વધુ પાંચ વર્ષ ક્રિકેટ રમશે. ગેલની નજર ન માત્ર ૨૦૨૧ના ભારતમાં યોજનારા ટી૨૦ વર્લ્ડકપ પર છે, પણ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ૨૦૨૦ના વર્લ્ડકપ પર પણ છે.
૪૧ વર્ષીય ક્રિસ ગેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, તે પોતાને આગામી પાંચ વર્ષ સુધી ક્રીઝ પર રમતો જોઈ રહ્યો છે. ગેલે કહ્યું કે, “હાલમાં રિટાયરમેન્ટનો કોઈ પ્લાન નથી. મારું માનવું છે કે મારી પાસે હાલ વધુ પાંચ વર્ષ છે. તેથી ૪૫ વર્ષ થાય તે પહેલા રિટાયરમેન્ટનો કોઈ ચાન્સ નથી અને હા, હજુ બે વર્લ્ડકપ રમવાના છે.”
યૂએઈમા રમાયેલી આઈપીએલની ૧૩મી સીઝનમાં ક્રિસ ગેલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૪૧.૧૪ની એવરેજથી ૧૩૭.૧૪ની સ્ટ્રાઈક રેટથી માત્ર સાત ઈનિંગમાં ૨૮૮ રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ અડધી સદી નોંધાવી હતી. ગેલ આ આઈપીએલમાં કેટલીક મેચો બાદ ટીમમાં સામેલ થયો હતો.