(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
સુપ્રીમ કોર્ટે આજે ઉત્તરપ્રદેશ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી કરી હતી. જેમાં હાઈકોર્ટે સરકારને એ હોર્ડિંગ દૂર કરવા જણાવ્યું હતું. જેમાં આરોપીઓના નામો અને વિગતો લખેલ હતી. સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને જોતા જણાવ્યું કે આ કેસમાં ગોપનીયતાનો અધિકાર સંકળાયેલ છે. જેથી આ કેસમાં વધુ ચર્ચા વિચારણાની જરૂર છે. એ માટે અમે આ કેસ ત્રણ જજોની બેંચ સમક્ષ મોકલવા ભલામણ કરીએ છીએ. આ અવલોકન સુપ્રીમ કોર્ટની બેંચના જજો યુ.યુ. લલિત અને જજ અનિરૂદ્ધ બોસની બેંચે કર્યું હતું. સુપ્રીમ કોર્ટે જો કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર વચગાળાનો મનાઈ હુકમ પણ આપ્યો નથી. આનો અર્થ એ થયો કે, ટેકનિકલી હાઈકોર્ટના આદેશનો અમલ થવો જોઈએ. એ સાથે ઉત્તરપ્રદેશ સરકારે આ સંદર્ભે ૧૬મી માર્ચ સુધી રિપોર્ટ પણ મોકલવો જોઈએ. જો કે, ઉત્તરપ્રદેશના એડવોકેટ જનરલ રાઘવેન્દ્ર સિંઘે કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારને તાત્કાલિક હોર્ડિંગ દૂર કરવાની જરૂર નથી. કારણ કે મામલો મોટી બેંચ સમક્ષ મોકલાયો છે. જેથી આ મામલો વિચારાધીન ગણી શકાય. આજે સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફે રજૂઆત કરતા સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું, ગોપનીયતાના અધિકારની પણ અમુક મર્યાદાઓ હોય છે અને જ્યારે ગુનેગાર ગુનો આચરે છે ત્યારે એ પોતાના ગોપનીયતાના અધિકારને જતો કરે છે. મહેતાએ કહ્યું કે “ધારો કે મીડિયા દર્શાવે છે કે એ વ્યક્તિઓ જાહેરમાં ગોળીબારો કરે છે. તો એ લોકો એવું નહીં કહી શકે કે એમનો ગોપનીયતાના અધિકારનો ભંગ થાય છે. જજ યુ.યુ. લલિતે કહ્યું કોઈ ખાનગી વ્યક્તિ આવું કરે એ જુદી વાત છે. પણ પ્રશ્ન આ છે કે શું સરકારને આમ કરવાનો અધિકાર છે. આજની તારીખમાં એવો કોઈ કાયદો નથી, જે તમારા કૃત્યને સમર્થન આપે. જજ બોસે કહ્યું સરકારના કૃત્યોને કાયદા દ્વારા અધિકાર મળેલ હોવો જોઈએ. જો કે, છેવટે જજોએ એટોર્ની જનરલ તુષાર મહેતાની દલીલ સ્વીકારી. કારણ કે મહેતાએ સુપ્રીમ કોર્ટનો ગોપનીયતા સંદર્ભનો ૧૯૯૪નો ચુકાદો ટાંક્યો અને આ ઉપરાંત એમણે ઈંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ જણાવ્યો. એ માટે કેસને મોટી બેંચ તરફ મોકલવા જણાવ્યું. સુપ્રીમ કોર્ટના જજોના નિર્ણયનો વકીલો અભિષેક મનુ સિંઘવી, કોલિન ગોંસાલ્વે અને સી.યુ. સિંઘે વિરોધ કર્યો. જેઓ આરોપીઓ તરફે હતા. જેમના નામો હોર્ડિંગોમાં છે. એમણે કહ્યું કે સરકારના આ પગલાથી એમને જીવનું જોખમ થઈ શકે છે. એમનું લિંચિંગ થઈ શકે છે. એમણે કહ્યું કે, આ આરોપીઓને કોર્ટે દોષિત ઠરાવ્યા નથી અને એવો કોઈ કાયદો સરકારને પરવાનગી આપતો નથી કે તેઓ કોર્ટની ઉપરવટ જઈ આરોપીઓને પોતે દોષિત ઠરાવી એમના નામો જાહેર કરે અને એ પણ “નેમ અને શેમ” શિર્ષક હેઠળ. સુપ્રીમ કોર્ટે જેમના ફોટાઓ અને વિગતો મૂકાઈ છે એમને કેસમાં રજૂઆતો કરવા પવાનગી આપી પણ અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ જેમને અસર થઈ નથી. તેઓને રજૂઆત કરવા પરવાનગી આપી નહીં.

જો નામો જાહેર કરી શરમમાં મૂકવાની પ્રથાને મંજૂરી અપાય
તો બેંક ડિફોલ્ટરોના નામો ધરાવતા બેનરો પણ મૂકો

લખનૌ હોર્ડિંગ દુર કરવાની અપીલની સુનાવણી દરમ્યાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરતા પ્રશ્ન કર્યો, ભારતમાં કયારથી આરોપીઓના નામો જાહેર કરી એમને શરમમાં મુકવાની શરૂઆત કરાઈ છે ? કોઈ પણ ગંભીર અને જધન્ય ગુનાના આરોપીઓના નામો પણ જાહેર કરાતા નથી. આથી સરકારને મોકળુ મેદાન આપવામાં આવી રહ્યું છે જે નહીં આપી શકાય. સિંઘવીએ આ સમયે બેંક ડિફોલ્ટર્સના નામો જાહેર કરવા બાબત જણાવતા કહ્યું કે જો સરકારનું માનવું હોય કે નામો જાહેર કરી શરમમાં મુકવાથી લોકો ગુનાઓ કરતા અટકશે. તો બેંકોને બચાવવા અને બેંકો સાથે છેતરપિંડી રોકવા બેંકના ડિફોલ્ટર્સની યાદી ધરાવતા પણ બેનરો મુકવા જોઈએ જેથી લોકો બેંકો સાથે છેતરપિંડી કરવા અને બેંકોને નાણાં પરત નહીં ચૂકવવાની માનસિકતાથી દૂર રહેશે.