(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
ગુજરાત રાજ્ય હજ કમિટીની મુદ્દત આગામી ર૮ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે આ હજ કમિટીની છેલ્લી મીટિંગ અમદાવાદના કાલુપુર હજ હાઉસ ખાતે રાખવામાં આવી હતી. જેમાં કમિટીએ તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલ કામગીરીની વિગત ચેરમેન પ્રો.મોહમ્મદઅલી કાદરીએ પૂરી પાડી હતી. આ દરમિયાન કેટલાક સભ્યોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, હજની ફ્લાઈટ ૧ ઓગસ્ટથી શરૂ થવાની હોવાથી સરકારે આ કમિટીને હજ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રાખવી જોઈએ. હજ કમિટીના ચેરમેન પ્રો.મોહમ્મદઅલી કાદરીએ ત્રણ વર્ષ દરમિયાન કમિટીના સભ્યો, સ્ટાફના સભ્યો, ખાદીમો તથા સ્વૈચ્છિક સંગઠનોએ ખડેપગે સેવા આપી તેની સરાહના કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ દર વર્ષે હજ ક્વોટા વધારવામાં સફળ રહી, હજ હાઉસનું રૂા.૭૦ લાખના ખર્ચે રિપેરિંગ અને રિનોવેશન કરી નવા રૂપ-રંગ આપ્યા, હજ સિવાયના મહિનામાં બિનઉપયોગી રહેતા હજ હાઉસમાં સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના મફત તાલીમ વર્ગ શરૂ કરાવ્યા. જેમાં રહેવા-જમવા સહિતની સુવિધાઓ પણ આપી, હજયાત્રીઓને ફરજિયાત બેગો આપવાનો નિર્ણય સેન્ટ્રલ હજ કમિટીની મીટિંગમાં ચેરમેને સજ્જડ વિરોધ નોંધાવતા રદ કરવાની ફરજ પડાવી. આ ઉપરાંત એરપોર્ટ પર હજયાત્રીઓને જરૂરી તમામ સુવિધા પૂરી પાડવા કમિટીના તમામ સભ્યો તથા સ્વૈચ્છિક સંગઠનોએ અથાગ પ્રયત્નો કર્યા હતા. આથી, હજ કમિટીની કામગીરીથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરઝાદાએ જાહેરમાં વખાણ કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેરમેન પ્રો.મોહમ્મદઅલી કાદરીને ભારત સરકારના હજ ગુડવીલ મિશનમાં ડેપ્યુટીલીડર તરીકે પસંદ કરી ર૦૧૬માં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સઉદી અરબ મોકલી તેમની કામગીરીની કદર કરી હતી. જ્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પણ મીટિંગમાં ઉપસ્થિત રહી ચેરમેન પ્રો.કાદરીની કામગીરીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમણે રાજકારણ વચ્ચે લાવ્યા વિના સમાજ હિત માટે જે કામગીરી કરી છે તે આવકાર્ય છે. ચેરમેન કાદરીએ પણ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આપેલા નિષ્પક્ષ સહયોગના મો-ફાટ વખાણ કર્યા હતા. આ મીટિંગમાં હજ કમિટીના સભ્યો રફીક બાપુ લીમડાવાલા, શબ્બીર અબ્દુલસત્તાર હામદાણી, યુનુસભાઈ મહેતર, યાસીન અજમેરવાલા, યુનુસ મોહંમદ તલાટ, સાહેબખાન પઠાણ સહિતના સભ્યો તથા કમિટીના સેક્શન ઓફિસર એમ.કે. સિદ્દીકી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.