(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાને લીધે સતત બીજા વર્ષે હજ ક્વોટામાં વધારો થયો છે અને સ્વતંત્રતા બાદ પહેલીવાર ૧.૭૫ લાખ ભારતીયો ૨૦૧૮માં સૌથી વધુ સંખ્યામાં હજ માટે જશે જોકે, આ મંત્રીના ખોટા દાવા સામે કેન્દ્રીય હજ કમિટીએ જણાવ્યું હતું કે, સઉદીની સરકારે તમામ દેશોના જુના ક્વોટાને ફરી લાગુ કર્યો છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે અને મુખ્તાર અબ્બાસ નકવી જુઠ્ઠું બોલી રહ્યા છે. સઉદી હજ અને ઓકાફ બાબતોના મંત્રાલય સાથે નવા હજ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત પરત ફરી નકવીએ હજની બાબતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. નકવીએ મક્કામાં હજ અને ઉમરાહ માટેના સઉદીના મંત્રી સાલેહ બિન તેહરેન બેનતેન સાથે હજ ૨૦૧૮ માટેના વાર્ષિક દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. નકવીએ દાવો કર્યો હતો કે, ત્રણ વર્ષ પહેલા ભારત માટે હજનો ક્વોટા ફક્ત ૧,૩૯,૦૨૦ હતો જે છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ ૧.૭૫ લાખ થઇ ગયો છે. આ બધુ વડાપ્રધાન મોદીની વધતી લોકપ્રિયતા અને સઉદી અરબ સાથે તેમના સારા સંબંધો તથા અન્ય અરબ દેશો સાથે મોદીની નેતાગીરીના સંબંધોને કારણે થયું છે. તેમણે એવું પણ કહ્યું કે, ગત વર્ષે પણ સઉદીએ હજ ક્વોટામાં ૩૫૦૦૦નો વધારો કર્યો હતો. મુખ્તાર અબ્બાસ નકવીના આ દાવાનો ખોટો ગણાવતા ભારતની હજ કમિટીના પૂર્વ ચેરમેને કહ્યું કે, આ એક કનસીબ બાબત છે કે, મંત્રી હજ જેવી ધાર્મિક બાબતને પણ ગંદી રાજનીતિ સાથે જોડી રહ્યા છે. ગત વર્ષે પણ આ મંત્રીએ ખોટો દાવો કર્યો હતો પરંતુ હકીકત એ છે કે, સઉદી સરકારે તમામ દેશો માટેના હજ ક્વોટાને અમલી બનાવ્યો છે જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે અને આમા મોદીની સઉદી સરકાર સાથે કહેવાતી લોકપ્રિયતાને કોઇ લેવા દેવા નથી. જિદ્દાહ ખાતેના ભારતના વરિષ્ઠ પત્રકાર સિરાજ વહાબે જણાવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષ માટે તમામ મુસ્લિમ દેશોના હજ ક્વોટામાં ૨૦ ટકાનો ઘટાડો કરાયો હતો કારણ કે હરમમાં જગ્યા વધારવા માટેનંું કામ ચાલું હતું. જ્યારે પવિત્ર મસ્જિદનું કામ પૂર્ણ થયું ત્યારે સઉદીસરકારે તમામ મુસ્લિમ દેશો માટેના હજ ક્વોટાને ફરી બહાલ કરવાનો નિર્ણય લીધો છે. હજ કમિટીના પૂર્વ ચેરમેને એમ પણ કહ્યું કે, ચાલુ સરકારના બે વર્ષ દરમિયાન પણ હરમ શરીફમાં કામ ચાલુ હોવાને કારણે ક્વોટા ૧,૩૬,૦૨૦ જ હતો જે અંગે પણ મંત્રી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ભારતની હજ કમિટીએ કહ્યું છે કે, આ વર્ષે હજ માટે ૩.૫૫ લાખ અરજીઓ આવી છે જેમાં ૧૩૦૦ મહિલાઓએ મેહરમ વિના જવાની અરજી કરી છે.