અમદાવાદ, તા.ર૪
વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીને કારણે ચાલુ વર્ષે મુસ્લિમોની પવિત્ર હજયાત્રા સઉદી સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. પરિણામે ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જનારા હજારો હજ ઈચ્છુકોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. ર૯ હજારથી વધુ અરજીઓમાંથી ૭ હજારથી વધુ લોકો ડ્‌્રોમાં કન્ફર્મ થયા હોય અને હજ અદા કરવા ન મળે તો તેમના પર શું વીતી હશે? તે તો હજયાત્રીઓ જ અનુભવી શકે. આથી ગુજરાત રાજ્ય હજ કમિટીએ હજ ઈચ્છુકોની લાગણી કેન્દ્રીય હજ કમિટીને પહોંચાડી છે. ચાલુ વર્ધે હજયાત્રા રદ થતાં હજારો હજયાત્રીઓ નિરાશ થયા છે. કેટલાક હજયાત્રીઓ તો રીતસર ધ્રુસકે મુકાઈ ગયા હતા. આ અંગે અમુક હજયાત્રીઓએ તેમની લાગણી ગુજરાત રાજ્ય હજ કમિટીને પહોંચાડી હતી. આથી હજ કમિટીના સચિવ આર.આર.મનસુરીએ હજ કમિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખી હજ-ર૦ર૧ના વિશેષ કેટેગરીના પસંદગીના ઉમેદવારોમાં હજ ર૦ર૦ના સફળ ઉમેદવારોનો સમાવેશ કરી તેમને પ્રાથમિકતા આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. હજ કમિટી ઓફ ઈન્ડિયાને લખેલા પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોનાને કારણે હજ ર૦ર૦ રદ કરવામાં આવી છે. આથી ગુજરાત રાજ્ય હજ સમિતિની અને હજ ઉમેદવારોની પણ લાગણી છે કે, હજ ર૦ર૦માં ડ્રોમાં પસંદ થયેલા અને પ્રથમ અને બીજો હપ્તો ભર્યો છે તે પૈકીના હજ ઈચ્છુકો હજ ર૦ર૧માં જવા માગતા હોય તેઓને આપોઆપ સ્થાન આપવામાં આવે. જો આ હજ ઈચ્છુકોને ર૦ર૧માં તમામ નવા ઉમેદવારોની યાદીમાં સામેલ કરી કુર્રા કરવામાં આવશે તો હજ ર૦ર૦ના સફળ ઉમેદવારો સાથે અન્યાય થયો ગણાશે. આથી હજ ર૦ર૧માં કુર્રા કરતા અગાઉ હજ ર૦ર૦ના સફળ ઉમેદવારોને અલગ તારવી બાકીના ઉમેદવારોનો કુર્રા કરવામાં આવે. કારણ કે, સઉદી અરેબિયા હજ ર૦ર૧ માટે સમજી વિશ્વભરમાંથી મર્યાદિત યાત્રાળુઓને જ પરવાનગી આપી શકે છે. બીજી તરફ આર્થિક મંદીને કારણે ભારતભરમાંથી આગામી વર્ષ માટે હજ અરજદારોની સંખ્યા મર્યાદિત થઈ શકે છે. આથી અમારી પાસે સંપૂર્ણ કવોટા ન હોવાથી હજ ર૦ર૦ના પ્રોવિઝનલ લિસ્ટના ઉમેદવારોનો અગ્રતાકમ્ર સમાવેશ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.