અમદાવાદ, તા. ર૮
હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા.ર૮-૦ર-ર૦૧૮ના ૧૩માં પરિપત્ર મુજબ નવી હજ નીતિ (વર્ષ-ર૦૧૮થી ર૦રર) અનુસાર સમગ્ર ભારત માટે પ૦૦ સીટો મહેરમ ક્વોટા તરીકે ફાળવેલ છે. હજ વર્ષ-ર૦૧૮(હિજરી-૧૪૩૯) માટે જે સ્ત્રી હજ અરજદાર પાસપોર્ટ ન હોવાના કારણે અથવા અન્ય સચોટ કારણોસર અરજી કરી શક્યા ન હોય તથા હજ વર્ષ-ર૦૧૮ના ડ્રોમાં મંજૂર થયેલ તેના મહેરમ (પુરૂષ) સાથે હજ પઢવા ઈચ્છુક હોય અને સદર પરિપત્રની તમામ જોગવાઈઓ સંતોષાતી હોય તે સ્ત્રી હજ અરજદારે તા.ર૦-૩-ર૦૧૮ના કચેરી સમય સુધીમાં પરિપત્રમાં દર્શાવેલ તમામ દસ્તાવેજો સહિત હજ એપ્લીકેશન ફોર્મ હજ હાઉસ, કાલુપુર, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. હજ એપ્લીકેશન ફોર્મ હજ હાઉસ, કાલુપુર અમદાવાદ ખાતેથી કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/ટપાલમાં/કુરીયર દ્વારા પત્રમાં સંપૂર્ણ સરનામું, મોબાઈલ નંબર દર્શાવી મેકલવાથી મળશે.
જે સ્ત્રી હજ અરજદારે ભૂતકાળમાં ખાનગી ટુર્સ દ્વારા અથવા હજ કમિટી દ્વારા હજ પઢી હશે તે કોઈપણ સંજોગોમાં અરજી કરી શકશે નહીં. એમ ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ પ્રો. મોહમ્મદઅલી કાદરી તથા સચિવ આઈ.એમ. શેખે જણાવ્યું છે.