(એજન્સી) તા.૪
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે કહ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં હજ-ર૦૧૯ની જાહેરાત કરવામાં આવશે અને આ સંદર્ભે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજ-ર૦૧૮ની સમીક્ષા અને હજ-ર૦૧૯ની તૈયારીઓ વિશે વિચારણા કરવા માટે આયોજિત કરવામાં આવેલી બેઠક પછી પત્રકારોને સંબોધતા નકવીએ કહ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત હજ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તરત જ આગામી હજની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજ ર૦૧૯ની જાહેરાત પણ આ મહિનામાં જ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ બેઠકના તારણ મુજબ સબસિડી વગર સંપન્ન થયેલી પ્રથમ હજ હાજીઓ માટે સારી રહી હતી. તેમણે કહ્યું હતું કે, વચેટિયાઓ તેમજ ગેરરીતિઓ પર નિયંત્રણ કરવાનું પરિણામ એ રહ્યું કે, સબસિડી વગર પણ હજ બિનજરૂરી રીતે ખર્ચાળ નથી બની.