(એજન્સી) રાંચી, તા.૧૮
રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી) વડા લાલુ યાદવ કે જેમને ઘાસચારાના કૌભાંડના કેસમાં સાડા ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે, તેમણે બુધવારે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હજ સબસિડી બંધ કરીને નરેન્દ્ર મોદી મુસ્લિમોને પરેશાન કરી રહ્યા છે. બિહારના ભૂતપૂર્વ સીએમ દ્વારા આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી કે જ્યારે અન્ય એક ઘાસચારાના કૌભાંડને સંબંધિત કેસમાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા. લાલુ યાદવે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તોગડિયાને ઝેડ પ્લસ સુરક્ષા પ્રાપ્ત છે, સુરક્ષા કર્મીઓને જણાવ્યા વગર તેઓ ક્યાં ચાલ્યા ગયા હતા. ર૦૧૮થી મુસ્લિમ હજ યાત્રીઓને મળનારી સબસિડી બંધ કરવા અંગેની જાહેરાત લઘુમતી મંત્રાલયના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવી હતી, ત્યાર પછીના દિવસે આરજેડીના વડા લાલુએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મંત્રાલયે ઉમેર્યું હતું કે, આ વર્ષે સૌથી વધુ ૧.૭પ લાખ મુસ્લિમો હજ યાત્રા પર જવાના હતા અને આ સબસિડી બંધ કરવાથી હજની મુસાફરીના ભાડામાં કોઈ અસર થશે નહીં.