અગાઉ જે ૨૧ જગ્યાએથી હજ માટે જઈ શકાતું હતું તે હવે કોરોના મહામારીને કારણે શક્ય નહીં બને. હવે આગામી હજ ૨૦૨૧ માટે એમ્બાર્કેશન પોઇન્ટ ઘટાડીને ૧૦ જ કરી દેવાયા છે. જેમાં અમદાવાદ, બેંગ્લુરૂ, કોચ્ચિ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઈ અને શ્રીનગર સામેલ છે. અમદાવાદમાં સંપૂર્ણ ગુજરાતને આવરી લેવાશે

(એજન્સી) તા.૭
આગામી વર્ષ ૨૦૨૧ માટેનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે કોરોના વાયરસની મહામારી તથા ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કેટલાંક મહત્ત્વપૂર્ણ પરિવર્તન પણ આ વખતે કરાયા છે.
આ અંગે મુંબઈમાં આવેલા હજ કમિટી ઓફ ઈન્ડિયાના મુખ્યમથકેથી કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે મહામારીના દોરમાં યોજાવા જઇ રહેલ હજ ૨૦૨૧ દરમિયાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.
નકવીએ કહ્યું હતું કે હજ ૨૦૨૧ જૂન-જુલાઇમાં યોજાશે અને સઉદી અરબની સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારી જરૂરી ગાઈડલાઈન્સને પણ ખાસ ધ્યાનમાં લેવાશે અને ભારત સરકાર પર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત તથા સઉદી અરબના લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપશે. ઉલ્લેખનીય છે કે હજ ૨૦૨૧ની પ્રક્રિયા લઘુમતી બાબતોના મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, વિદેશ બાબોતના મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, હજ કમિટી ઓફ ઈન્ડિયા, સઉદી અરબમાં આવેલી ભારતીય એમ્બેસી અને જિદ્દાહમાં ભારતીય કાઉન્સેલ જનરલ તથા અન્ય એજન્સીઓ વચ્ચે ચર્ચા વિચારણાં બાદ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન મહામારીને લગતાં તમામ પડકારોને ધ્યાનમાં લેવાયા છે. હજ ૨૦૨૧ માટે વિશેષ સ્થિતિ, વિશેષ નિયમો, યોગ્ય ક્રાઈટેરિયા, વયની મર્યાદાઓ, જરૂરી ફિટનેસ અને સ્વાસ્થ્ય તથા સઉદી અરબના વાતાવરણ સાથે મેળ ખાય તેવી જરૂરી સ્થિતિઓ અને માપદંડોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવશે.
નકવીએ કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ અંતિમ નિર્ણય થશે. મંત્રીએ વધુમાં કહ્યું કે એકોમોડેશન, ટ્રાન્સપોર્ટ, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ ભારતમાં તથા સઉદી અરબમાં ધ્યાનમાં રાખીને જ હજની સંપૂર્ણ પ્રક્રિયામાં ધરખમ પરિવર્તન થશે તે નક્કી દેખાય છે. મહામારીના દોરમાં અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા લોકોનું સ્વાસ્થ્ય છે. નકવીએ કહ્યું કે હજની પ્રક્રિયાનું ડિજિટાઈઝેશન કરવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી કોઇપણ કપાત વિના પાછા મોકલાયા છે. ૨૦૨૦માં ૧૨૩૦૦૦ લોકોની હજયાત્રા રદ થયા બાદ આ પૈસા પાછા તેમને ટ્રાન્સફર કરાયા હતા. રઉદી સરકારે પણ ૧૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના પણ પાછા આપી દીધા છે. દરેક હજયાત્રીએ ૭૨ કલાક પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવવાનો રહેશે. માન્યતા ધરાવતી લેબોરેટરી દ્વારા કરાવાયેલ પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પણ સબમિટ કરવાનો રહેશે. આ રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જોકે આ વખતે હજયાત્રા માટે ઉડાન ભરનારી ફ્લાઈટો ફક્ત ૧૦ શહેરોથી જ ઉડાન ભરી શકશે. એટલે કે અગાઉ જે ૨૧ જગ્યાએથી હજ માટે જઈ શકાતું હતું તે હવે કોરોના મહામારીને કારણે શક્ય નહીં બને. હવે આગામી હજ ૨૦૨૧ માટે એમ્બાર્કેશન પોઇન્ટ ઘટાડીને ૧૦ જ કરી દેવાયા છે. જેમાં અમદાવાદ, બેંગ્લુરૂ, કોચ્ચિ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઈ અને શ્રીનગર સામેલ છે. અમદાવાદમાં સંપૂર્ણ ગુજરાતને આવરી લેવાશે.