(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૬
આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં હઠીપુરા ગામે ગ્રામપંચાયતમાં વારસાઈ,પેઢીનામું કરી આકારણીનો દાખલો કાઢી આપવા માટે ૧૫ હજારની લાંચની માંગણી કરનાર સરપંચ અને તલાટી આજે એન્ટી કરપ્સન બ્યુરોએ ગોઠવેલા લાંચનાં છટકામાં ૧૫ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા એસીબી પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેશરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર પેટલાદ તાલુકાનાં ધર્મજ ગામનાં ભીખાભાઈ ચુનીલાલ જાદવનું આંકલાવ તાલુકાનાં હઠીપુરા ગામે રહેણાંક મકાન આવેલું છે,આ મકાન રમણભાઈ ચૌહાણને વેચાણ રાખવું હોઈ તેઓએ આ અંગે ભીખાભાઈ જાદવનો સંપર્ક સાધ્યો હતો,પરંતુ આ મકાન ભીખાભાઈનાં નાના બહેન ચંચળબેનનાં નામે હતું પરંતુ ચંચળબેનનું થોડા વર્ષો પુર્વે મૃત્યું થયું હોઈ આ મકાનનાં રેર્કડ પર પેઢીનામું બનાવીને વારસાઈ કરાવી આકારણીનો દાખલો મેળવી ત્યારબાદ જ વેચાણ દસ્તાવેજ થઈ શકે તેમ હોઈ આ મકાનની વારસાઇ કરાવી મકાનનાં રેકર્ડ પર તેઓનું નામ ચઢાવીને મકાનની આકારણીનો દાખલો મેળવવા માટે ભીખાભાઈએ હઠીપુરા ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી મુકેશભાઈ નારણભાઈ દેસાઈનો સંપર્ક સાધતા તેઓએ તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સુભાષભાઈ ત્રિકમભાઈ ગોહીલએ પેઢીનામું,વારસાઈ,મકાનનાં રેકર્ડ પર નામ ચઢાવવા તેમજ આકારણીની નકલ આપવા માટે ૨૫ હજારની લાંચની માંગણી કરી હતી.જેથી આનાકાની બાદ લાંચની રકમ ૧૫ હજાર નક્કી થતા ભીખાભાઈએ તે લાંચની રકમ આજે આપવાનો વાયદો કર્યો હતો. આ બાબતે ભીખાભાઈ જાદવએ આણંદની એન્ટી કરપ્સન બ્યુરોની કચેરીનો સંપર્ક સાધતાા એસીબી પી.આઈ સી આર રાણાએ આજે ગ્રામ પંચાયતની કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં ભીખાભાઈ પાસેથી ૧૫ હજારની લાંચની રકમ સ્વિકારતા તલાટી મુકેશભાઈ નારણભાઈ દેસાઈ રહે.લાંભવેલ રોડ,નિલકંઠ નગર સોસાયટી આણંદ,અને સરપંચ સુભાષભાઈ ત્રિકમભાઈ ગોહીલ રંગેહાથ ઝડપાઈ જતા એસીબી પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી,આ વાત ગામમાં ફેલાતા ચકચાર મચી જવાા પામી હતી.આ બનાવ અંગે એસીબી પોલીસે તલાટી અને સરપંચ વિરૂદ્ધ લાંચ રુસ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.