(એજન્સી) મુંબઈ, તા.૧૯
મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદક ખેડૂતોનું આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું છે. હવે આંદોલનકર્તાઓ મુંબઈ સહિત રાજ્યના ચાર મોટા શહેરોમાં દૂધનો પુરવઠો રોકી દેવાની તૈયારી કરી રહ્યા છે. જો સરકાર દખલ નહીં કરે તો દૂધનો પુરવઠો શુક્રવારે થંભી જશે.
સ્વાભિમાન શેતકારી સંગઠન દ્વારા દૂધના ભાવોમાં લિટરે પ રૂપિયાનો વધારો માંગી રહ્યા છે. મહારાષ્ટ્રના સિંચાઈમંત્રી ગિરીશ મહાજને શેતકારી સંગઠનો સાથે વાતચીત શરૂ કરી સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો હાથ ધર્યા છે. સોમવારથી હડતાલ શરૂ થતાં દૂધનો ર૦ ટકા પુરવઠો રોકાઈ ગયો છે.
શેતકારી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ સરકારને તેમની બેમાંથી એક માગણી સ્વીકારી લેવા કહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દે ખેડૂતોની માગણી અંગે ચર્ચા કરી છે. સરકાર દૂધના પાવડરથી નિકાસ પર રૂા.પ૦ સબસિડી વધારી શકે છે. ગુરુવારે દૂધ ઉત્પાદકોએ તેમનું આંદોલન તીવ્ર બનાવ્યું હતું. પશુઓને રસ્તા પર લાવી રસ્તાઓ પર વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. શોલાપુર-કોલ્હાપુર ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
શેટ્ટીએ આરોપ મૂક્યો હતો કે સરકારે આંદોલનને રોકવા રાજ્યભરમાં ખેડૂતોની ધરપકડો શરૂ કરી છે. દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે સાતમું સ્થાન ધરાવનાર મહારાષ્ટ્રના ખેડૂતોને દૂધના ઓછા ભાવો ચૂકવાય છે.
ડેરી બોર્ડ (એનડીડીબી)ના કહેવા અનુસાર ખાનગી ડેરીઓ કરતાં સહકારી ડેરીઓ સારો ભાવ આપે છે. રાજ્યમાં હાલમાં દૂધનો ભાવ ૧૮ રૂા.લીટર સહકારી સંસ્થાઓ ચૂકવે છે.