હિંમતનગર, તા.૯
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ડિસેમ્બર ૨૦૨૦ના ત્રીજા અઠવાડિયામાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થવાની છે ત્યારે જિલ્લા પંચાયતની સામાન્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવીને મીડિયામાં પોતાના ફોટા છપાયા તેના માટે જાણે તે, હોડ લાગી હતી. આ ઉપરાંત સામાન્યસભામાં સત્તાધારી પક્ષના જાગૃત સભ્યએ હડિયોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હિંમતનગર મેડિકલ કોલેજને ગ્રામ પંચાયતને ટેક્ષ પેટે ચૂકવવાની થતી અંદાજે રૂા.ર કરોડથી વધુ રકમની બાકી હોવાથી સદસ્યએ તે અંગે જિલ્લા વિકાસ અધિકારીને ભલામણ કરી દરમિયાનગીરી કરવા માંગ કરી હતી. આ ઉપરાંત સામાન્ય સભામાં પછાત વિસ્તારોના વિકાસ કામો તથા સાધન સહાય અંગે સંલગ્ન વિભાગોના અધિકારીઓ પર સભ્યો દ્વારા આક્ષેપબાજી કરાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, આજે બપોરે એક વાગે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના જાગૃત સભ્ય એવા હર્ષદભાઈ પટેલે સૌ પ્રથમ એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી હડિયોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તથા રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજની જમીન હડિયોલ પંચાયતના તાબામાં હોવા છતાં હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા બે વર્ષથી અંદાજે રૂા.ર કરોડથી વધુની રકમ ટેક્ષ પેટે ચૂકવવાની બાકી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવા આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને દરમિયાનગીરી કરવા અનુરોધ કર્યો હતો. તેના જવાબમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા જાણ કરવાની હૈયાધારણ આપીને પંચાયતના તલાટીને વસૂલાતની કાર્યવાહી કરવા જણાવ્યું છે અને જરૂર પડે નોટિસ આપીને ટેક્ષની વસૂલાત કરવી જોઈએ. આ ઉપરાંત સામાન્ય સભામાં ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર સહિતના અન્ય ૫૦ તાલુકાઓમાં ખેતીવાડી વિભાગ દ્વારા તાજેતરમાં અપાયેલ ટ્રેક્ટર તથા અન્ય ખેતીના સાધનોની અર્પણવિધિમાં સમિતિના ચેરમેન કે તે વિસ્તારના સદસ્યને હાજર રહેવા ન જણાવતા આ વિસ્તારના સભ્યોએ સામાન્ય સભામાં ભારે રોષ વ્યક્ત કરીને અધિકારીઓ કોઈને ગાંઠતા નથી તેવો આક્ષેપ કરી અણગમો વ્યક્ત કર્યો હતો. ઉપરાંત આ વિસ્તારમાં જળસંચય તથા અન્ય કામો અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા સંતોષકારક માહિતી ન અપાઈ હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે સભ્યોની મોટાભાગની પ્રશ્નોત્તરીમાં ચર્ચા દરમિયાન વચ્ચેથી તેના પક્ષના સભ્યોનો પક્ષ લઈને અધિકારીઓની કામગીરી અંગે શંકા વ્યક્ત કરી હતી તથા સૌથી વધુ આરોગ્ય શાખામાં લોલમલોલ ચાલતુ હોવાનું જણાવીને કેટલાક કર્મચારીઓ તેમના જ ખાતામાં નિવૃત્ત થયા બાદ અને બઢતી તથા ઈજાફાની ફાઈલો જાણીને સમયસર પૂર્ણ ન કરાતી હોવાની સરેઆમ આક્ષેપ કરી અધિકારીઓને આડેહાથ લીધા હતા તેમજ કોરોના અંગે લોકોમાં જાગૃત્તિ લાવવા માટે આરોગ્ય વિભાગે કરેલા ખર્ચ અને કામગીરી અંગે વિગતો માંગી હતી જેના જવાબમાં અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે રૂા.૧૮ લાખથી વધુનો ખર્ચ થયો હોવાનું સામાન્ય સભામાં જણાવાયું છે.