(એજન્સી) તા.૫
૫, ઓગસ્ટ ૨૦૧૯ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે જમ્મુ અને કાશ્મીરના વિશિષ્ટ દરજ્જાને અવિધિસર પાછો ખેંચી લીધો ત્યાર બાદ પ્રથમ વખત ગુરુવારે પીડીપીના નેતાઓની એક બેઠક રાખવામાં આવી હતી. પક્ષના મહામંત્રી જીએન લોન હંજુરાએ શ્રીનગરમાં પક્ષના વડા મથક ખાતે આ બેઠક બોલાવી હતી પરંતુ સત્તાવાળાઓએ પીડીપીના નેતાઓને તેમના નિવાસસ્થાનેથી બહાર નીકળવા દીધાં ન હતાં.
પીડીપીના ધારાસભ્ય મોહંમદ યુનુસ બટે જણાવ્યું હતું કે મને સિક્યોરિટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હું અટકાયત હેઠળ છું અને તેમને ઉચ્ચત્તર સ્તરેથી મને મારૂં સ્થળ નહીં છોડવા દેવાના આદેશ છે. ૫, ઓગસ્ટ ૨૦૧૯થી પ્રધાનો અને ધારાસભ્યો સહિત પીડીપીના ડઝન જેટલા અગ્રણી નેતાઓ સતત નજરકેદ હેઠળ છે જ્યારે પક્ષના પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તીને હજુ અટકાયતમાંથી છોડવા દેવામાં આવ્યાં નથી.
આ નેતાઓના નિવાસસ્થાને રાબેતા મુજબ તૈનાત કરવામાં આવેલા સુરક્ષાકર્મીઓ ઉપરાંત તેમની અવરજવર પર અંકુશ રાખવા માટે વધારાના સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યાં હતાં. પીડીપીના એક યુવાન નેતાએ જણાવ્યું હતું કે મુલાકાતીઓને નિયંત્રીત કરવા માટે સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયાં છે. માત્ર સગાસંબંધીઓ અને નિકટના મિત્રોને જ નેતાને મળવા દેવામાં આવે છે. પીડીપીના યુવા પ્રમુખ બાહિદ ઉર રહેમાન પારાનું માનવું છે કે સતત નજરકેદ એ તેમના પરિવારજનો માટે એક પ્રકારની યાતના સમાન છે અને ગેરબંધારણીય અને કિન્નાખોરીયુક્ત છે.
આમ પક્ષની બેઠકમાં હાજરી આપતાં પીડીપીના નેતાઓને અટકાવવાની ચાલ પરથી પીડીપીના નેતાઓ મુક્ત અને સ્વતંત્ર છે એવા સરકારના દાવાઓ ઉઘાડા પડી ગયાં છે. પારાના જણાવ્યા પ્રમાણે અન્ય રાજકીય પક્ષોને તેમની રાજકીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવે છે જ્યારે અમારા પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આમ સરકારે પીડીપી દ્વારા બેઠક યોજવાના પક્ષના પ્રયાસો સરકારે નાકામિયાબ બનાવ્યાં છે તો બીજી બાજુ નેશનલ કોન્ફરન્સને આ પ્રકારની બેઠક યોજવાની મંજૂરી આપવામાં આવી છે અને આમ હતાશ બીજેપી શું હવે કાશ્મીરમાં નેશલન કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે તિરાડ ઊભી કરવા માગે છે ?