સુરત, તા.૧૧
સુરત શહેરની હાઈટેક લાજપોર જેલમાંથી આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પાંચ દિવસ પહેલાં હત્યાના આરોપીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ ગઈકાલે રાત્રે વધુ એક હત્યાના આરોપીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેવાના સમાચાર મળતા જેલતંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન આ બનાવમાં આરોપીના પરિવારે કહ્યું છે કે, આ ઘટનામાં અમને વિશ્વાસ નથી આવતો કે દીકરાએ આપઘાત કરી લીધો, અમને ન્યાય જોઈએ. સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી સજા કાપતા આરોપીએ લાજપોર જેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. જો કે, પરિવારે તેના સ્વજને આપઘાત નહીં પણ જેલમાં હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. હત્યાના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી લાજપોર જેલમાં સજા કાપતા મોહમ્મદ આસિફે લાજપોર જેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી. જો કે, પરિવારને મોડીરાત્રે પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. મૃતકની બહેને કહ્યું કે, આરોપીની બહેને કહ્યું, ‘૬ મહિના પહેલાં જ મારો ભાઈ ઘરે આવ્યો હતો, હસતો-બોલતો હતો ડિપ્રેશનમાં આવી ગયો એવી વાત ગળે ઉતરતી નથી. પોસ્ટમોર્ટમ સ્થળે મૃતદેહ લેવા આવેલા પરિવારે કહ્યું કે, જે જેલમાં દોરો પણ જઈ શકતો નથી ત્યાં આત્મહત્યા માટેનું દોરડું કેવી રીતે આવ્યું ? કેદીઓની વચ્ચે જ રહેતા માણસે આત્મહત્યા કરી લીધી તો કોઈએ જોયું નહીં હોય ? અમને આત્મહત્યાની થિયરી કબૂલ નથી. અમારા સ્વજનની હત્યા થઈ હોવાની આશંકા છે. મૃતકના પિતાએ કહ્યું કે, ગઈકાલે રાત્રે મારા દીકરાએ આત્મહત્યા કરી લીધી છે તેવી જાણ પોલીસે ઘરે આવીને કરી હતી. અમને કહ્યું કે, તમે કાલે સવારે સિવિલમાં આવી જજોે તમને ત્યાંથી મૃતદેહ મળી જશે. જો કે, હજુ સુધી તેનો મૃતદેહ જોવા પણ મળ્યો નથી. ભેલ મારો દીકરો ખૂન કેસમાં હતો પરંતુ મારે આ ઘટનાની હકિકત જાણવી છે.