(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
ઉપરવાસમાં ધોધમાર વરસાદ શરૂ થતાં સુરત અને જિલ્લાના ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. વિતેલા ૩૬ કલાકમાં ઉપરવાસમાં ૬૮૬ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લાં ૧૨ કલાકમાં ઉપરવાસમાં સરેરાશ ૪૪૦.૨૦ મીમી વરસાદ ખાબકયો છે. જેના કારણે હથનુર ડેમમાંથી ૧ લાખ ૧૯ હજાર ૩૯૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે ઉકાઇ ડેમમાં હાલ ૮૨ હજાર કયુસેક પાણીની આવક શરૂ થઇ છે. જેથી ૧૨ કલાકમાં જ ઉકાઇ ડેમની સપાટીમાં બે ફુટનો વધારો નોંધાયો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી ૨૮૪.૯૨ ફુટ પર પહોંચી છે. અને બીજી બાજુ તાપીના ઉપરવાસમાં પણ વરસાદ હોવાના કારણે વિયર કમ કોઝવેની સપાટી વધીને ૬.૪૧ મીટર પર પહોંચી જવા પામી છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉકાઇના ઉપરવાસમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડુતપુત્રો વાવણીમાં જોતરાઇ ગયા છે. ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ શરૂ થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવકનો પ્રારંભ થતાં જ તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લાં ૩૬ કલાકમાં ઉકાઇના ઉપરવાસમાં સરેરાશ ૬૮૬ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લાં ૧૨ કલાક દરમ્યાન ડેસ્કામાં ૨૭ મીમી, લખપુરીમાં ૭ મીમી, ચીકલધારામાં ૭ મીમી, ગોપાલખેડામાં ૧૦ મીમી, ડેડતલાઇમાં ૩૯ મીમી , બુરહાનપુરમાં ૨૭ મીમી, યરલીમાં ૯૪ મીમી, હથનુરમાં ૧૨ મીમી, ભુસાવલમાં ૧૦ મીમી, ગીરનારમાં ૩ મીમી, ધુલીયામાં ૩ મીમી સહિતના વિસ્તારોમાં સરેરાશ ૪૪૦.૨૦ મીમી વરસાદ ખાબકયો છે. પરિણામે હથનુર ડેમના ૪૧ દરવાજાઓમાંથી ૧ લાખ ૧૯ હજાર ૩૯૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ઉકાઇ ડેમમાં ૩૬ કલાક પછી આવશે. હાલ ડેમમાં ૮૨ હજાર કયુસેક પાણીની આવક શરૂ થઇ છે. જેના કારણે માત્ર ૧૨ કલાકમાં જ ઉકાઇ ડેમની સપાટીમાં બે ફુટનો વધારો નોંધાયો છે. હાલ ૧૨ વાગ્યા સુધી ઉકાઇ ડેમની સપાટી ૨૮૪.૯૨ ફુટને આંબી ગઇ છે. હાલ ઉકાઇના ઉપરવાસમાં વરસાદ ચાલુ છે. બીજી બાજુ તાપીના ઉપરવાસમાં વરસાદના કારણે વિયર કમ કોઝવેની સપાટી વધીને ૬.૪૧ મીટર પર પહોંચી ગઇ છે. જેથી કોઝવે ઓવરફલો થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.