(એજન્સી) નવી દિલ્હી, તા.રર
બે વયસ્ક વ્યક્તિઓ દ્વારા સંમતિથી કરાયેલ લગ્નને કોર્ટો રદ કરી શકે નહીં અથવા એમની સામે તપાસ કરાવી શકે નહીં કે એમના લગ્નમાં સંમતિ કયા પ્રકારે થયેલ છે.
સુપ્રીમ કોર્ટે હદિયાના કેસમાં પોતાનું અવલોકન કરતા જણાવ્યું કે આ મુદ્દે કોર્ટોની દરમિયાનગીરી મર્યાદિત છે.
જજ ચંદ્રચૂડે કહ્યું કે શું કોર્ટ કહી શકે કે લગ્ન ખરા નથી અથવા સંબંધો ખરા નથી. શું કોર્ટ હદિયાને કહી શકે કે એણે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન નથી કર્યા, એ અમારી પાસે આવી છે અને કહે છે કે એમણે લગ્ન પોતની સંમતિથી કર્યા છે.
ર૬ વર્ષીય હદિયાએ મુસ્લિમ ધર્મ સ્વીકારી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. જે લગ્નને કેરાલા હાઈકોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે લગ્નને બનાવટી ઠરાવ્યું હતું. હદિયાના પિતાએ આક્ષેપો મૂક્યા હતા કે હદિયાને ફોસલાવવામાં આવ્યું છેે. એનું બ્રેઈન વોશ એવા પ્રકારના સંગઠને કર્યું છે જેમનો ઉદ્દેશ્ય છોકરીઓને ફોસલાવી લગ્ન કરાવી ત્રાસવાદી પ્રવૃત્તિઓ સાથે સાંકળવાનો છે. એમના પિતાએ જણાવ્યું કે મારી દીકરીએ મને ફોન ઉપર કહ્યું હતું કે એ સીરિયા જઈ ઘેટાઓ ઉછરશે. એવા પિતાઓ હોઈ શકે જે આ સમાચાર સાંભળી શાંત બેસી રહે પણ હદિયાના પિતા ચેતી ગયા. હદિયાના પિતા તરફે દલીલો કરતા વકીલ શ્યામ દિવાને કોર્ટમાં રજૂઆત કરી જણાવ્યું હતું. જજ ચંદ્રચૂડે દીવાનને અટકાવતા કહ્યું કે જો આ પ્રમાણે નાગરિકોને ગેરકાયદેસર વિદેશ મોકલવામાં આવવાની વાત હોય તો સરકાર એની સામે પગલાં લઈ શકે અને એમને રોકી શકે પણ અંગત કાયદાઓ હેઠળ અમે લગ્નને રદ નહીં કરી શકીએ. જજે કહ્યું હદિયાના પિતા હજુ એને બાળક સમજી રહ્યા છે. જેને ભોળવીમાં રાખવી જોઈએ. અમારા માટે મુશ્કેલી એ છે કે અમે લગ્ન બાબત એની તપાસ નહીં કરાવી શકીએ કે એમાં સંમતિ છે કે નહીં અને છે તો કેવા પ્રકારની છે.
એનઆઈએ આ કેસની તપાસ કરી રહી હતી. જેમણે કહ્યું હતું કે આ પ્રકારના બ્રેઈન વોશિંગના કેસો કેરળમાં ઘણા બધા બન્યા હતા જેના માટે આની પણ તપાસ કરવી આવશ્યક હતી. છેલ્લી સુનાવણીમાં જો કે સુપ્રીમ કોર્ટે એનઆઈએને હદિયાના કેસમાં તપાસ આગળ નહીં વધારવા કહ્યું હતું.
પણ વકીલે દીવાને જણાવ્યું કે કેરાલા હાઈકોર્ટે ન્યાયિક રીતે જ હદિયાના લગ્ન રદ કર્યા છે જેમણે પોતાની સમક્ષ મૂકાયેલ રેકોર્ડના આધારે નિર્ણય કર્યો હતો જે યોગ્ય હતો. જેમાં જણાવેલ હતું કે યુવતીઓને ફોસલાવવાનું નેટવર્ક ગોઠવાયેલ છે. દિવાને જજના અવલોકન સામે વિરોધ કરતા કહ્યું કે હદિયા નિર્બળ અને સંવેદનશીલ વયસ્ક છે જેને હજુ પણ સુરક્ષાની જરૂર છે. લગ્ન દ્વારા હદિયાને કોર્ટથી દૂર રાખવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. શફીન જહાં તરફે હાજર રહેનાર વકીલ સિબ્બલે કહ્યું કે દિવાન કોર્ટ સમક્ષ અયોગ્ય રજૂઆતો કરી રહ્યા છે. એમણે કહ્યું કે હદિયાએ કહ્યું ન હતું કે એ સીરિયા જઈ રહી છે પણ એના પિતા જે હદિયાના ધર્મ પરિવર્તન અને લગ્નથી નારાજ છે એમણે કહ્યું છે કે હદિયાને ગેરકાયદેસર રીતે ત્રાસવાદથી પીડિત દેશમાં મોકલવામાં આવશે.
હદિયા કેસ : બે સંમત વયસ્કોનાં લગ્ન અદાલતો રદ કરી શકે નહિ :સુપ્રીમ કોર્ટ

Recent Comments