(એજન્સી) તા.૯
હમાસના વડા ઈસ્માઈલ હનાયાએ નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને અપીલ કરી હતી કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તૈયાર કરાયેલા કથિત ડીલ ઓફ ધી સેન્ચુરીને રદ બાતલ કરી નાખે. એક જાણીતી મીડિયા એજન્સીએ આ માહિતી આપી હતી. એક નિવેદનમાં હનાયાએ બાઈડેન સરકારને અપીલ કરી હતી કે અમેરિકા દ્વારા જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની ન માનવામાં આવે અને અમેરિકી એમ્બેસીને પણ આ પવિત્ર શહેરમાંથી ખસેડી લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેની ડીલ ઓફ ધી સેન્ચુરીમાં જેરુસલેમને ઈઝરાયેલની અવિભાજિત રાજધાની ગણાવી હતી અને વેસ્ટ બેન્ક પર ઈઝરાયેલના મોટાભાગના કબજાને માન્યતા આપી દીધી હતી. જોકે આ ડીલ ઓફ સેન્ચુરીની પેલેસ્ટીન તથા તેના સમર્થક દેશો તથા ઈસ્લામિક દેશો તરફથી આકરી ટીકા કરવામાં આવી હતી. હનાયાએ આ દરમિયાન બાઈડેનને અપીલ કરી કે પેલેસ્ટીન મામલે અમેરિકાની જે નીતિઓ રહી છે તેના કારણે અમેરિકા દમન અને આક્રમણનો સહયોગી બની ગયો છે. તેમણે કહ્યું કે હું અમેરિકાની નવી સરકારને અપીલ કરું છું કે તેઓ પેલેસ્ટીની નાગરિકોનો સન્માન કરે અને તેમની ડેમોક્રેટિક ચોઈસને માન આપે. લોકો પર દમન કરવાની નીતિઓને છોડે તથા ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરી લેવાનું દબાણ કરવાનું છોડી દે.