(એજન્સી) અનાદોલુ,તા.૧૧
પેલેસ્ટીની ગ્રુપ હમાસે કબજે કરાયેલ વેસ્ટબેંકની ઇઝરાયેલ વસાહત પાસેથી માલની આયાત કરવા બદલ યુએઈની સખત ટીકા કરી હતી. હમાસના પ્રવક્તા હઝેમ કાસીમે એક નિવેદનમાં કહ્યું કે યુએઈનું આ પગલું કટ્ટરપંથી યહુદીઓને અમારી જમીનો ઉપર ગેરકાયદેસર વસાહતો ઉભી કરવા માટે પ્રોત્સાહન આપનાર છે. ઇઝરાયેલની ચેનલ ૭એ આ પહેલા કહ્યું હતું કે ઇઝરાયેલના વસાહતી વિસ્તારમાં ઉત્પાદિત માલની યુએઈ તરફ કોમર્શિયલ નિકાસની શરૂઆત થઇ છે. જોકે આ રિપોર્ટ બાબતે યુએઈના સત્તાવાળાઓએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. યુએઈ અને ઇઝરાયેલ વચ્ચે અમેરિકા દ્વારા સામાન્ય સંબંધોની સ્થાપના સપ્ટેમ્બર મહિનામાં થઇ હતી, જેના પછી બહેરીન અને સુદાને પણ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવ્યા હતા અને હાલમાં જ મોરાક્કોએ પણ સંબંધો સ્થાપિત કર્યા હતા. આરબ દેશો સાથે સામાન્ય સંબંધો બનાવવા બદલ પેલેસ્ટીનીએ ઉગ્ર આલોચના કરી હતી. એમણે કહ્યું કે આ સમજૂતીથી અમારા અધિકારોની અવગણના કરવામાં આવી છે.