અમદાવાદ, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર અને અમિત શાહ સહિતના ભાજપના કદાવર નેતાઓને તેમના ભાષણ, ટીકા-ટિપ્પણીઓ સહિતના મામલે ભીંસમાં લેનાર પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે અભિનેતા સલમાનખાનને કાળા હરણના કેસમાં થયેલ પાંચ વર્ષની સજા મામલે આડકતરી રીતે અમિત શાહ પર પ્રહાર કર્યો છે. સલમાનખાનને થયેલી સજા બાદ હાર્દિક પટેલે ટિ્વટ કરીને જણાવ્યું છે કે, આજે હરણની આત્માને શાંતિ મળી છે. પરંતુ જજ લોયાની આત્માને ક્યારે શાંતિ મળશે ? કાળા હરણના કેસમાં સલમાનખાનને કોર્ટે પાંચ વર્ષની કેદની સજા કરી છે ત્યારે બીજા અનેક ગંભીર કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે કે, બહાર રખડી રહ્યા છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લોકો આ મામલે ટીકા-ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. આવા સમયે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટિ્વટ કરીને જણાવ્યું છે કે, આજે હરણની આત્માને શાંતિ મળી છે. પરંતુ જજ લોયાની આત્માને ક્યારે શાંતિ મળશે. આમ, ટિ્વટ કરી હાર્દિકે આ કેસ સાથે જેનું નામ જોડાયેલ તેવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફ આડકતરો પ્રહાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઈના જજની રહસ્યમય હત્યા અંગે કેસની સુનાવણીને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે. આ કેસની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ દિપક મિશ્રા સહિત ત્રણ સભ્યોની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે. તેથી આ કેસ સાથે જોડાયેલા તમામ કાગળોની તપાસ કરવામાં આવશે આ કેસમાં આરોપી તરીકે અમિત શાહ હતા અને જસ્ટિસ લોયાનાં મૃત્યુ બાદ આવેલા બીજા જજે અમિત શાહને આ કેસમાં રાહત આપી દીધી હતી. તેના લીધે આગામી દિવસોમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.
હરણના આત્માને શાંતિ મળી પણ જસ્ટિસ લોયાના આત્માને ક્યારે શાંતિ મળશે ??

Recent Comments