(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨
વિજયનગર તાલુકાના હરણાવ નદી પર બનાવાયેલ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા વધારાનું પાણી ડેમની પાછળના ભાગમાં છોડાયું હતું. જેને લઈને મંગળવારે સરસવ પાસેથી પસાર થતી ચંદવાસ નદીનું પાણી જૂથ પ્રાથમિક શાળામાં ઘૂસી જતા અંદાજે પ૦ ફૂટથી વધુની સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ જવા પામી હતી. વિજયનગરના ઉપરવાસમાં આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે હરણાવ જળાશયમાં પાણીની આવક વધી ગઈ હતી. જેને લઈને ડેમ સત્તાવાળાઓ દ્વારા વધારાનું પાણી ડેમની પાછળના ભાગમાં છોડવા માટે નિર્ણય લેવાયો હતો. દરમિયાન વધારાનું આ પાણી ચંદવાસ નદીમાં છોડાતા તે પાણી સરસવ જૂથ પ્રાથમિક શાળામાં ઘૂસી ગયું હતું. જેને લઈને પ૦ ફૂટથી વધુની સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ જતા આ પાણી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયું હતું. જેને લઈને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ભયભીત બની ગયા હતા, તો બીજી તરફ શાળામાં ભણતા કેટલાક બાળકોના દફતર અને બેગ પલળી ગયા હતા. બુધવારે પણ પાણી ન ઓસરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અવર-જવર કરવામાં હાલાકી વેઠવી પડી હતી.