ભૂજ,તા.૧૧
કચ્છની દરિયાઈ સરહદે આવેલી ભારત-પાક.ની આંતરરાષ્ટ્રીય સરહદને ઓળંગીને કચ્છની દરિયાઈ સરહદમાં ઘૂસી આવેલા ૩ પાકિસ્તાની માછીમારોને તા.૧૦-૧૧-ના રોજ પકડી પાડયા બાદ ગણતરીના કલાકોમાં સીમા સુરક્ષા દળના હાથે તા.૧૦-૧૧ રાત્રી સુધીમાં વધુ પાંચ પાક. ઘૂસણખોરો અને ૩ પાક. બોટ પકડાતા હવે આ ઘૂસખણોરોની કુલ સંખ્યા ૮ થઈ છે અને કુલ નવ પાક. બોટ પણ કબજે લેવામાં આવી છે સીમાદળની ૭૯મી બટાલિયને આ કાર્યવાહી કરી હતી. કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં હરામીનાળા નજીકથી આ તમામ પાક. માછીમારોને સીમા સુરક્ષા દળે પકડી પાડયા છે. કચ્છના સીમા સુરક્ષા દળના ટી.આઈ.જી. ઈન્દરકુમાર મહેતાએ જણાવ્યું હતું કે હજી અમારૂં સર્ચ ઓપરેશન ચાલુ છે. પકડાયેલા પાક. નાગરિકોમાં (૧) નિયાઝ હુસેન (ઉ.વ.ર૮) (ર) લોંગ અલી (ઉ.વ.૩પ) (૩) રાજીબ અલી (ઉ.વ.૩ર) (૪) બાલુ ગુલામ મામદ (ઉ.વ.૧૭), (પ) યાસીન રમઝાન (ઉ.વ.રપ) (રહેવાસી તમામ- પાક. સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લો, ઝીરો પોઈન્ટ ગામ)નો સમાવેશ થાય છે. જો કે આઠ પૈકી હજુ અન્ય ૩ પાક. નાગરિકોની પૂછપરછ ચાલુ હોવાથી તેમના નામ-ઠામ બહાર આવ્યા નથી.