(એજન્સી) હરિયાણા, તા.ર૦
પ્રખ્યાત હરિયાણવી ગાયિકા મમતા શર્માની હત્યા મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. ૧૪ જાન્યુઆરીથી મમતા શર્મા ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેનો મૃતદેહ ૧૮ જાન્યુઆરીએ મળ્યો હતો. ગત ત્રણ દિવસથી આ મામલે તપાસ કરી રહેલી પોલીસે મમતા શર્માના બે સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે. આરોપીનું નામ મોહિત બતાવવામાં આવી રહ્યું છે જે મમતા શર્મા માટે સ્ટેજ સ્થળ પર જવા માટે પ્રાઈવેટ ટેકસીની વ્યવસ્થા કરતો હતો. પોલીસે મોહિતની શનિવારે સવારે ધરપકડ કરી પોલીસે જણાવ્યું કે, કેટલાક મહિનાઓથી મોહિત અને મમતા વચ્ચે સંબંધો સારા ન હતા. આજ વાત મમતાની હત્યાનું કારણ બની. ૧૪ જાન્યુઆરીના રોજ મમતાએ મોહિતને દર વખતની જેમ કેબ લાવવા કહ્યું પણ મોહિત ખૂબ જ વિલંબથી મમતાને લેવા પહોંચ્યો. જેનાથી નારાજ મમતાએ મોહિતને ફટકાર લગાવી. બન્ને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ. જો કે, મોહિત કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેને ગાડી એક જગ્યાએ રોકી ચાકુ કાઢી મમતાનું ગળું ચીરી નાંખ્યું હતું. જેનાથી મમતાનું ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે એ વાતનો પણ ખુલાસો કર્યો કે મમતા મોહિતને નાની નાની વાતો પર પણ ફટકાર લગાવતી હતી. આટલું જ નહીં મોહિતને કેબના રૂપિયા પણ પૂરા નહોતી આપતી. જેથી મોહિત ખૂબ જ ચીઢાઈ થયો હતો. ૧૩ જાન્યુઆરીના રોજ મમતાએ જ્યારે મોહિતને ફોન કર્યો કે તેને સવારે સોનીપતમાં એક કાર્યક્રમમાં જવું છે ત્યારે મોહિતે વિચાર્યું કે આ સારો અવસર છે. મમતાને સબક શીખવાડવાનો ત્યારબાદ તેને પોતાના મિત્રની કારમાંથી મમતાની હત્યામાં તેની મદદ કરવા માટે કહ્યું. ત્યારબાદ મોહિતે પોતાના મિત્રને બોલાવી મમતાના મૃતદેહને બનિયાની ગામના ખેતરોમાં નાંખી દીધો. ત્યારબાદ મોહિતે કારને સાફ કરી અને પાછી પોતાના મિત્રને આપી દીધી હતી. પોલીસ આ મામલે મોહિતની કડકાઈથી પૂછપરછ કરતાં સચ્ચાઈ સામે આવી હતી અને મોહિતે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આ મામલે મોહિત સાથે તેના મિત્રની પણ ધરપકડ કરી હતી.