(એજન્સી) સોનેપત, તા.૩૦
કારગીલ જંગમાં શહીદ થયેલા જવાનની પત્ની પાસે આધારકાર્ડ ન હોવાથી ડોક્ટરોએ સારવાર કરવાનો ઈન્કાર કરતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના હરિયાણાના સોનેપતની તુલીપ હોસ્પિટલની છે. કારગીલ જંગમાં શહીદ થયેલા લક્ષ્મણ દાસની પત્ની શકુન્તલા દેવી ગળાના કેન્સરથી પીડાતા હતા. તેમને સારવાર માટે સોનેપતની તુલીપ હોસ્પિટલમાં પરિવારજનો લઈને આવ્યા હતા. તે સમયે તેમની પાસે મૂળ આધારકાર્ડ ન હતું. બીજી તરફ વિધવા મહિલાને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. ડોક્ટરોએ સારવાર કરવાનો ઈન્કાર કર્યો. આધારકાર્ડ ન હોવાથી હોસ્પિટલ છોડી દેવા જણાવ્યું તેમ વિધવાના પુત્ર પવનકુમાર બાલિયાને જણાવ્યું હતું. સરકારી નિયમ મુજબ હોસ્પિટલમાં દાખલ થવા આધારકાર્ડ નંબર જરૂરી છે. તેવામાં સારવારના અભાવે મારી વિધવા માતાએ દમ તોડ્યો હતો. દરમિયાન તુલીપ હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે અમે સારવાર માટે તૈયાર હતા. આરોપ ખોટો છે. સીસીટીવીમાં જોઈશકાય છે કે મહિલાને તાત્કાલિક સારવાર વોર્ડમાં લઈ જવાઈ છે. પરંતુ પરિવાર તેને બીજી હોસ્પિટલમાં લઈ જવા ઈચ્છતું હતું. તુલીપ હોસ્પિટલના વલણની કારગીલના શહીદની પુત્રી સીબી દ્વિવેદીએ આ ઘટનાને કમનસીબ ગણાવી હતી.
સેનાનું મનોબળ તૂટ્યુંઃ થાપર
હરિયાણાની સોનેપત હોસ્પિટલમાં આધારકાર્ડના અભાવે સારવાર વગર કારગીલ જંગના શહીદની વિધવાના મોતના સમાચારોથી આઘાત લાગ્યો છે તેમ શહીદ વિજય થાપરના પિતાએ જણાવ્યું હતું. આવી ઘટનાઓથી સેનાના મનોબળ પર અસર પડે છે. હૃદય-કેન્સરની બીમારીથી પીડિત વિધવા માતાને સારવાર માટે પુત્ર બે કલાક સુધી ફર્યો. મોબાઈલમાં આધારકાર્ડની કોપી હોવાનું જણાવ્યા છતાં પણ સારવાર ન મળી. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ કહ્યું કે રાજ્ય સરકારે આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ. કેન્દ્ર સરકાર આ ઘટનાની તપાસ કરશે. કેન્દ્રએ તમામ રાજ્યોને ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ લાગુ કરવા કહ્યું છે જેથી આવી ઘટનાઓ ઓછી થાય. હોસ્પિટલમાં સારવાર ન મળતા હંગામો કરતાં પોલીસ બોલાવાઈ હતી. જેથી માતાને સારવાર વગર પરત લઈ જવી પડી હતી.