(એજન્સી) ચંદીગઢ, તા.૪
હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારથી રોષે ભરાયેલા ૧ર૦ દલિતોએ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. સરકાર વિરૂદ્ધ ૧૧૩ દિવસ સુધી પ્રદર્શન કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન મળતા તેમણે આ પગલું લીધું હતું. ધર્મ પરિવર્તનની આ ઘટના ચોક્કસપણે ખટ્ટર સરકાર માટે આંચકા રૂપ છે. અહેવાલો મુજબ હરિયાણાના મંત્રીઓનું કહેવું છે કે લોકો કોઈપણ કારણ વિના ધર્મ પરિવર્તનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. આ પહેલાં જાટ સમુદાય પણ મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વવાળી ભાજપ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી ચૂક્યો છે. જાટ નેતાઓએ પણ ધમકી આપી હતી કે રાજ્યમાં ચૂંટણી પહેલાં ભાજપની કોઈ રેલી થવા નહીં દે. આ મુદ્દે વિપક્ષે ભાજપની ટીકા કરતાં કહ્યું કે દલિત અને અન્ય સમુદાયોને અણી પર રાખવા ભાજપની નીતિ છે અને તે કારણોસર તે સરકારથી ખુશ નથી. દલિત નેતા દિનેશ ખાપડે જણાવ્યું કે, ૭ માર્ચથી સરકાર સામે માગણીઓ રજૂ કરવામાં આવી છે. આગામી ૧૦-૧પ દિવસોમાં માંગ પૂરી નહીં થાય તો ર૦ મેના રોજ વધુ દલિતો બૌદ્ધ ધર્મ અપનાવશે.