(એજન્સી) તા.૧૪
હરિયાણામાં ભાજપ પ્રમુખ પદેકોને નિમવોએ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં છે ત્યારે આ મુદ્દે નવો ટિ્‌વસ્ટ આવ્યો છે. હરિયાણામાં ભાજપ જેજેપીના ટેકાથી સરકાર ચલાવે છે અને દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી છે. ભાજપનાં સૂત્રોના મતે, ચૌટાલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ પદના મામલામાં ઝંપલાવીને ભાજપને ચેતવણી આપી છે કે, કેપ્ટન અભિમન્યુને પ્રદેશ પ્રમુખ બનાવાશે તો જેજેપી ટેકો પાછો ખેંચી લેશે. મુખ્યમંત્રી મનોહરલાલ રવિવારે આ મુદ્દે ચર્ચા કરવા દિલ્હી આવ્યા હતા. એ પછી એવી અટકળો તેજ બની કે, ભાજપ કેપ્ટન અભિમન્યુને પ્રમુખ બનાવશે.
અમિત શાહને મળીને વ્યક્ત કરી નારાજગી
આ સાંભળીને ચૌટાલા સોમવારે દિલ્હી દોડી આવ્યા અને અમિત શાહને મળીને પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી. સાથે સાથે અલ્ટિમેટમ પણ આપી દીધું. કેપ્ટન અભિમન્યુ ચૌટાલાના ગઢ મનાતા નારનૌંદ મત વિસ્તારમાંથી ચૂંટણી લડે છે. આ કારણે બંને વચ્ચે જૂની રાજકીય દુશ્મનાટ છે. કેપ્ટન પણ જાટ છે. તેથી એ પ્રમુખ બને તો ચૌટાલાના ગઢ અને મત બેંક બંનેમાં ગાબડું પડે તેથી ચૌટાલા તેમની વિરૂદ્ધ છે.