(એજન્સી) નવી દિલ્હી, તા.૪
હરિયાણામાં ખેડૂતો સામે બળ પ્રયોગ વાપરવા બદલ કોંગ્રેસે સરકારની ટીકા કરી હતી. ગઈસાંજે હરિયાણાના રેવાડીમાં પોલીસે ખેડૂતોને બેરિકેટ્‌સ તોડતાં અટકાવ્યા હતા. આ સમયે પોલીસે ધરતીપુત્રો સામે બળ પ્રયોગ કર્યો હતો જેના પગલે કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી હતી. રેવાડીના વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, રેવાડીના સંગવારી ચોક ખાતે ખેડૂતોએ બેરિકેટ્‌સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેમણે ગુરૂગ્રામ અને દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસે તેમની પર ટીયર-ગેસ તેમજ વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પોલીસે બળ પ્રયોગનો ઉપયોગ કરી આંદોલન કરી રહેલા ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, એક તરફ મોદી સરકાર ખેડૂતોને વાતચીત માટે બોલાવે છે જ્યારે બીજી તરફ સરકાર ધરતીપુત્રો પર દમન ગુજારે છે. સરકારના અક્કડ વલણને કારણે ૬૦ જેટલા ખેડૂતો પોતાના જાન ગુમાવી ચૂકયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો ક્રૂર સરકાર પર કઈ રીતે ભરોસો કરી શકે. કોંગ્રેસના નેતા જયવિર શેરગીલ અને પાર્ટીના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે પણ આ ઘટના અંગે સરકારની ઝાટકણી કાઢી હતી.