(એજન્સી) તા.૨૪
હરિયાણાના ફરીદાબાદમાં બાદશાહ ખાન હોસ્પિટલનું નામ બદલીને શ્રી અટલ બિહારી વાજપેયી હોસ્પિટલ કરવા અંગેના નિર્ણય મુદ્દે રાજ્યની ભાજપ સરકાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને એ લોકોને આંચકો લાગ્યો છે જે ૧૯૪૭ના ભાગલા બાદ ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત (એનડબ્લ્યૂએફપી), પાકિસ્તાનથી આવ્યા હતા. તે સ્વતંત્ર્યતા સેનાની બાદશાહ ખાનને પોતાના નેતા માનતા હતા. ભાટિયા સેવા સમિતિના અધ્યક્ષ ૭૯ વર્ષીય મોહન સિંહ ભાટિયાએ કહ્યું કે અબ્દુલ ગફ્ફર ખાન(બાદશાહ ખાન) બધા લોકોના પ્રિય નેતા હતા જે ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતથી આવ્યા હતા. અમારા અનેક વૃદ્ધ સ્વાતંત્ર્ય પૂર્વેના યુગમાં તેમના દ્વારા રચવામાં આવેલા ખુદાઈ ખિદમતગાર સંગઠનનો હિસ્સો રહી ચૂક્યા હતા. ફરીદાબાદમાં રહ્યા બાદ તેમણે સામૂહિક રૂપે સિવિલ હોસ્પિટલના નિર્માણનું કામ કર્યુ અને અબ્દુલ ગફ્ફાર ખાનના સન્માનમાં તેનું નામ બાદશાહ ખાન હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. વિપક્ષ સાથે સંકળાયેલા રાજનેતાઓએ પણ રાજ્ય સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અજય સિંહ યાદવે આ નામ બદલવાની ઘટનાને શરમજનક ગણાવી હતી. ટ્રિબ્યુનલના હવાલાથી તેમણે કહ્યું કે જો તે ઈચ્છે તો પૂર્વ પીએમ વાજપેયીની યાદમાં એક નવી હોસ્પિટલ બનાવી શકે છે પણ કોમવાદી રીતે સંપત્તિનું નામ બદલવું શરમજનક છે.