(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
સીબીએસઇની ધોરણ ૧૦ની ગણિત અને ધોરણ ૧૨મી અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાના સરકારના નિર્ણય અંગે પીએમ મોદી પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આકરા ચાબખાં માર્યા હતા. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર કહ્યું હતું કે, મોદી સરકારના નેજા હેઠળ બધું લીક છે. તેમણે લખ્યું કે, કેટલા લીક છે ? ડેટા લીક, આધાર લીક, એસએસસી પરીક્ષા લીક, ચૂંટણી ડેટા લીક, સીબીએસઇ પેપર્સ લીક, બધું જ લીક છે અને ચોકીદાર વીક છે. ઉલ્લેખનીય છે કે,પીએમ મોદીને ચોકીદાર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે, તેઓ દેશના ચોકીદાર છે. ઉલ્લેખનીય છે કે, સીબીએસઇને એક ફેક્સ દ્વારા ફરિયાદ મળી હતી જેમાં ધોરણ ૧૨ અને ૧૦ના પેપર્સ લીક થવા પાછળ સેક્ટર ૮માં રહેતા રાજીન્દર નામની વ્યક્તિ હોવાનું જણાવાયું હતું. ૨૩મી માર્ચે મળેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, આ ષડયંત્રકારીઓ એક ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે અને આ સાથે જ બે શાળાઓના નામ પણ આપવામાં આવ્યા હતા સીબીએસઇએ આ અંગે દિલ્હી પોલીસને પણ જાણકરી દીધી હતી. દિલ્હી પોલીસને સોંપવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, ૨૪મી માર્ચે સીબીએસઇની મુખ્ય બ્રાન્ચ પર ફરિયાદની કોપી પહોંચાડી દેવામાં આવી હતી અને ઇન્સપેક્ટર સુશીલ યાદવના વોટ્‌સએપ પર પણ તેને આપી દેવાઇ હતી.
૨૬મી માર્ચે સીબીએસઇના એક એકમને જે દિવસે પરીક્ષા શરૂ થવાની હતી તે જ દિવસે હાથથી લખેલો જવાબ પેપર એક બંધ કવરમાં મળી ગયો હતો. તેમાં એવું જણાવાયું હતુ કે, ચાર વોટ્‌સએપ નંબર દ્વારા આ પ્રશ્નપત્રને લીક કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સીબીએસઇની ધોરણ ૧૦ની ગણિત અને ધોરણ ૧૨મી અર્થશાસ્ત્રની પરીક્ષાના પેપર લીક થવાના અહેવાલોને પગલે સોમવારે ફરી આ પેપરોની પરીક્ષા લેવામાં આવશે. તેમનું નિવેદન ધોરણ ૧૦નું પેપર સોશિયલ મીડિયા પર લીક થવાના અહેવાલો બાદ સીબીએસઇના નિર્ણય બાદ આવ્યું હતું.જાવડેકરે જણાવ્યં કે, આ અંગે આંતરિક તપાસ કરવામાં આવશે કે કેવી રીતે પેપર લીક થયા. તેમણે કહ્યુ કે, તેમણે વડાપ્રધાન મોદીને પણ વાત કરી છે અને તેઓએ પણ આ અંગે નારજગી દર્શાવી છે. સતત પેપર લીક થવા અંગે સવાલોના ઘેરામાં આવેલા મંત્રીએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે, આની પાછળ કોઇ ગેંગ જાણીજોઇને આવું કરી રહી છે. એક ખાસ ટીમ પેપર લીક અંગે તપાસ કરી રહી છે અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. સોમવારે એ સમયે ભારે હોબાળો થયો જ્યારેએવા અહેવાલો આવવા લાગ્યા કે ધોરણ ૧૨નું અર્થશાસ્ત્રનું પેપર લીક થઇ ગયું છે જોકે, સીબીએસઇએ ત્યાં સુધી આ અહેવાલોને રદિયો આપ્યો હતો. ૧૫મી માર્ચે સોશિયલ મીડિયા પર ધોરણ ૧૨નું એકાઉન્ટ્‌સનું પેપર પણ લીક થવાના અહેવાલો મળી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ નું અર્થશાસ્ત્રનું હસ્તલિખિત પેપર પરીક્ષા પહેલા વોટ્‌સએપ પર શેર થયું હતું. પરીક્ષાના પેપરમાં જે સવાલો દેખાતા હતા તેમાંના મોટાભાગના સવાલો આ લીક થયેલા પેપરમાં જોવા મળ્યાં હતા. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સીબીએસઈએ તોફાની તત્વોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી ચાલુ વર્ષના માર્ચ મહિનાની પરીક્ષામાં દેશભરમાંથી ૨૮ લાખ, ૨૪ હજાર, ૭૩૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સીબીએસઈના જણાવ્યાનુસાર, આ વર્ષની દશમા ધોરણની પરીક્ષામાં ૧૬ લાખ, ૩૮ હજાર, ૪૨૮ અને ૧૧ લાખ, ૮૬ હજાર, ૩૦૬ પરીક્ષાર્થીઓએ બારમાની પરીક્ષા આપી હતી. સીબીએસઈએ પેપર લીકની તમામ ખબરોને ખોટી ગણાવી હતી. અને કહ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાવવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સીબીએસઈ દ્વારા બોર્ડ પરીક્ષા રદ કરી દેવામાં આવતાં સમગ્ર ભારતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ કહ્યું કે સીબીએસઈના આ નિર્ણયને કારણે તેમને નિરાશા સાંપડી છે. તેમણે કહ્યું કે ફરી પરીક્ષા લેવી અનુચિત છે.સમગ્ર ભારત ભરના વિદ્યાર્થીઓએ આ અંગે નિરાશાજનક સૂર વ્યક્ત કર્યો. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાસ જાવડકરે કહ્યું કે ભવિષ્યમાં પેપરને લીકપ્રૂફ બનાવવા માટે સરકાર એક મજબૂત અને નકકર પ્રણાલી બનાવશે. તેમણે કહ્યું કે પેપર લીકના મૂળ સુધી જવા અને ગુનેગારોની સામે કેસ ચલાવવા માટે દિલ્હી પોલીસની ટીમને કામે લગાડવામાં આવી છે. ભવિષ્યમાં આવા પ્રકારના કિસ્સા ન બને તે માટે ની વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે તેવું તેમણે કહ્યું. આ દરમિયાન સીબીએસઈના નિર્ણયે ૨૮ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦-૧૨ ની પરીક્ષા ફરી આપવા મજબૂર કર્યાં છે.
આ શું થઇ રહ્યું છે જ્યારે RSS-ભાજપ દ્વારા સંસ્થાનોને નષ્ટ કરાઇ રહી છે : CBSE પરીક્ષા લીક અંગે રાહુલ ગાંધી
સીબીએસઇ પરીક્ષા પેપર લીક અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીએકવાર કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર પ્રહારો કરતા કહ્યું છે કે, પરીક્ષાના પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પાણી ફરી ગયું છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ દ્વારા ભાજપ અને આરએસએસ પર પ્રહારો કર્યા હતા. તેમણે ટિ્‌વટમાં લખ્યુ કે, સીબીએસઇ પરીક્ષામાં પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ પર પાણી ફરી ગયું છે. કોંગ્રેસે હંમેશા શૈક્ષણિક સંસ્થાઓને સુરક્ષિત રાખી છે આવું ત્યારે થઇ રહ્યું છે જ્યારે ભાજપ-આરએસએસ જેવા સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓને નષ્ટ કરવામાં લાગ્યા છે. રાહુલે એમ પણ કહ્યુ કે મારો વિશ્વાસ કરો આ તો શરૂઆત છે. પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ પેપર લીક ઉપરાંત ઘણા મુદ્દાઓ પર હુમલા કર્યા હતા જેમાં નરેન્દ્ર મોદી એપ દ્વારા ડેટા લીકનો આરોપ, આધાર કાર્જની જાણકારી લીક થવી, એસએસસી એક્ઝામ લીક થવી, ચૂંટણી પંચ પહેલા અમિત માલવીય કર્ણાટકની ચૂંટણીની તારીખો જાહેર કતરે તેનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર કહ્યું હતું કે, મોદી સરકારના નેજા હેઠળ બધું લીક છે. તેમણે લખ્યું કે, કેટલા લીક છે ? ડેટા લીક, આધાર લીક, એસએસસી પરીક્ષા લીક, ચૂંટણી ડેટા લીક, સીબીએસઇ પેપર્સ લીક, બધું જ લીક છે અને ચોકીદાર વીક છે. ઉલ્લેખનીય છે કે,પીએમ મોદીને ચોકીદાર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે, તેઓ દેશના ચોકીદાર છે.