(એજન્સી) દિલ્હી, તા.૧૮
સેનામાં સૈનિકોને ખરાબ ભોજન અપાય છે તેઓ વીડિયો બનાવી વાયરલ કરનાર બીએસએફના જવાન તેજ બહાદુર યાદવનો પુત્ર શંકાસ્પદ હાલતમાં તેના રેવાડી સ્થિત હરિયાણાના નિવાસ સ્થાને મૃત મળી આવ્યો હતો. તેના માથામાં ગોળીના નિશાન હતા. રૂમમાંથી પિસ્તોલ મળી હતી. બીએસએફના જવાન તેજ બહાદુર અને પત્ની શર્મિલાનું એક માત્ર સંતાન રોહિત બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે પિતા તેજ બહાદુર પ્રયાગરાજ કુંભની યાત્રાએ ગયા હતા. પત્ની શર્મિલા પણ ખાનગી કંપનીમાં નોકરી પર ગઈ હતી. દરમ્યાન પુત્ર રોહિત ઘરમાં એકલો હતો. પત્ની શર્મિલા સાંજે ઘરે પરત ફરી તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. બારીમાંથી જોયું તો પુત્ર રોહિત પલંગ પર ખુનથી લથપથ પડ્યો હતો. રોહિતના ડાબે કાને ગોળી વાગી હતી. પિસ્તોલ-મેગેઝીન પલંગ પર પડ્યા હતા. પોલીસનું કહેવું છે કે પિસ્તોલથી સ્ટંટ કરવા ગયો હોય અને આકસ્મિક ઘટના બની હોય તેમ લાગે છે. કદાચ રોહિતે આત્મહત્યા પણ કરી હોય કારણ કે રૂમ અંદરથી બંધ હતો. પોલીસે ઘટના સ્થળે જઈ રૂમનો દરવાજો તોડી જોયું તો રોહિતનું શબ પલંગ પર પડ્યું હતું. બીજા હાથમાં બંદૂક હતી. પોલીસે આત્મહત્યાનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી મળેલ પિસ્તોલની પણ તપાસ થશે.